નાથદ્વારાના ખડાયતા ભુવનમાં હોડીકાંડનો જામીન ઉપર છુટેલો મુખ્ય આરોપી પરેશ શાહ રોકાયો હોવાના પુરાવા મળ્યાં
કોર્ટની જામીનની શરતોનો ભંગ કરીને બોટકાંડનો
મુખ્ય આરોપી પરેશ શાહ નાથદ્વારા રહી આવ્યો
પરેશ શાહના જામીન રદ્દ થવા જોઈએ તેવી માંગણી સાથે કાઉન્સિલર આશિષ જોશીએ મિડિયા સમક્ષ નિવેદન આપ્યું
જામીન રદ થઈ શકે છે, ફરી જેલવાસ ભોગવવો પડે તેવી શક્યતા દેખાઈ રહી છે..
મૃદુ સરકારનું હોડીકાંડનાં ભોગ બનનાર પરિવાર પ્રત્યે ઉરમાયું વર્તન કેમ ?.

ભોગ બનનાર પરિવારોને મદદ કરવી ગુનો છે?..
17 ફેબ્રુઆરી 2025 ના રોજ પરેશ શાહનાં પરિવારે જગન્નાથપુરી જવા માટે-ગુજરાત બહાર જવા માટેની નામદાર કોર્ટની મંજૂરી માંગી હતી. જે મંજૂરી ગાહ્ય રાખી હતી. પરંતુ એ શરતી મંજૂરી 18 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધીની જ હતી. પરત આવ્યા બાદ ગુજરાતની હદ છોડવાની ન હતી. પછી ગુજરાતની હદ બહાર, કોર્ટની મંજૂરી વગર જઈ શકાય નહીં.દેશભરમાં ચકચાર જગાવનારા હરણી બોટકાંડના મુખ્ય આરોપી પરેશ શાહ કોર્ટની જામીન માટેની શરતોનો ભંગ કરીને 30મી જુલાઈનાં રોજ રાજસ્થાનના નાથદ્વારા ગયા હતા અને ત્યાં તેઓ ખડાયતા અતિથિ ભુવનમાં રોકાયા પણ હતા. કોર્ટની પરવાનગી વિના રાજ્યની બહાર ગયેલા પરેશ શાહે જામીનની શરતોનો સદંતર ભંગ કર્યો છે તેવા આરોપ સાથે કાઉન્સિલર આશિષ જોશીએ મિડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ. ઉપરાંત, પરેશ શાહના નાથદ્વારામાં રોકાયાના પુરાવા પણ રજૂ કર્યા હતા. આશિષ જોશીનું કહેવુ છે કે, જો આ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તો પરેશ શાહના જામીન રદ્દ થઈ શકે તેમ છે.
18મી જાન્યુઆરી 2024નાં દિવસે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 12 બાળકો અને બે શિક્ષિકા સહિત કુલ 14 જણાના મોત થયા હતા. આ દુર્ઘટનાને એક વર્ષથી વધારેનો સમયગાળો વિતી ચુક્યા છતાંય હજી સુધી પિડિત પરિવારોને ન્યાય મળ્યો નથી. અલબત્ત, હરણી બોટકાંડમાં સંડોવાયેલા બધા જ આરોપીઓને કોર્ટે શરતી જામીન આપી દીધા છે. હરણી બોટકાંડમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો છે. પણ શું ખરેખર આરોપી પરેશ શાહ કોર્ટની શરતોનું પાલન કરે છે ખરો ? અસલમાં પરેશ શાહ કોર્ટની શરતોનું બરાબર પાલન કરતો હોય એવુ લાગતું નથી. હરણી બોટકાંડમાં પિડિત પરિવારોને ન્યાય અપાવવા ઝૂંબેશ ચલાવી રહેલા વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીએ આજે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. આશિષ જોશીએ મિડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે, બોટકાંડનો આરોપી પરેશ શાહ કોર્ટની જામીનની શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યો છે. તાજેતરમાં જ તે કોર્ટની પરવાનગી વિના રાજ્યની બહાર ગયો હતો. 30મી જુલાઈની આ વાત છે. પરેશ શાહ કોર્ટની પરવાનગી વિના રાજસ્થાનના નાથદ્વારા ગયો હતો. એટલું જ નહીં પરંતુ, નાથદ્વારામાં આવેલા ખડાયતા અતિથિ ભુવનમાં રોકાયો પણ હતો. ખડાયતા અતિથિ ભુવનના રુમમાં રોકાતા પહેલા તેણે પોતાનું આધારકાર્ડની ફોટોકોપી અતિથિ ગૃહના કાઉન્ટર પર જમા કરાવી હતી. ઉપરાંત અતિથિગૃહના સીસીટીવીમાં પણ તેની હાજરી સ્પષ્ટ દેખાય છે. આમ, બોટકાંડના આરોપી પરેશ શાહે કોર્ટની જામીનની શરતોનું સરેઆમ ભંગ કર્યું હોવાનુ સાબિત થાય છે. જેથી પરેશ શાહને અપાયેલા જામીન રદ્દ થવા જોઈએ તેવી માંગણી પણ પિડિત પરિવારોએ કરી હતી.

બોટકાંડના પિડિતોને દોઢ વર્ષે પણ ન્યાય નથી મળ્યો
હરણી બોટકાંડમાં 12 ભુલકાં અને બે શિક્ષિકા સહિત કુલ 14 જણાના સામૂહિક મોત થયા હતા. આ બનાવ અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરીને હરણી લેકઝોનના સંચાલકો અને કર્મચારીઓની ધરપકડ કરી હતી. જોકે, આ મામલામાં હરણી લેકઝોનને મંજૂરી આપનારા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર અને સંબંધિત અધિકારીઓ સામે કોઈ પગલા લેવાયા ન હતા. અલબત્ત, લેકઝોનને મંજૂરી આપનારા સત્તાધીશો સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. બોટકાંડના પિડિત પરિવારો આજે દોઢ વર્ષ પછી પણ ન્યાય મેળવી શક્યા નથી.
કોર્પોરેશનના બેદરકાર અધિકારીઓ-સત્તાધીશો સામે પગલા કેમ નહીં ?
હરણી બોટકાંડમાં કોર્પોરેશનના એકપણ અધિકારી કે, સત્તાધીશો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તમને જાણીને નવાઈ લાગશે પણ હરણી બોટકાંડ થવા પાછળના જવાબદાર લેકઝોનના સંચાલકોને હરણી તળાવમાં બોટ ચલાવવાની પરવાનગી કોણે આપી હતી ? અને આપી હતી તો એમાં પેસેન્જરોની સલામતીનું ધ્યાન રખાય છે કે કેમ ? તેની જાણકારી રાખવાનું કામ કોનું હતુ ? આ બંને ફરજો જેને સોંપવામાં આવી હોય તેવા અધિકારીઓ સામે હજી સુધી કોઈ નક્કર પગલા કેમ નથી લેવાયા ? તેવા સવાલોના જવાબો હજી સુધી મળ્યા નથી.
ફ્યુચરાસ્ટિક સેલ અને કાર્યપાલક ઈજનેર સામે પણ કાર્યવાહી કેમ નહીં ?
હરણી લેકઝોનમાં બોટકાંડ પાછળ વડોદરા કોર્પોરેશનના ફ્યુચરાસ્ટિક સેલના હેડ, કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓ સામે હજી સુધી પગલા કેમ નથી લેવાયા ? તે પણ મોટો સવાલ છે. વર્ષ 2015-16ની સભામાં લેકઝોનને 76 સભ્યોએ મંજૂરી આપી હતી. આ તમામ સભ્યો સામે પણ કોઈ કાર્યવાહી કેમ નથી કરાઈ ? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. બોટકાંડના પિડિત પરિવારો ન્યાયની આશા રાખીને બેઠા છે. પણ એમને સાચા અર્થમાં ન્યાય ક્યારે મળશે તે કહી શકાય તેમ નથી.
ફક્ત પેડલ બોટની પરમિશન હતી તો મોટર બોટ કેમ ચલાવી ?
લેકઝોનના સંચાલકોને હરણી તળાવમાં પેડલ બોટ ચલાવવાની પરમિશન આપવામાં આવી હતી. તેમ છતાંય લેકઝોનના સંચાલકોએ તળાવમાં મોટર બોટ ચલાવવાની શરુ કરી દીધી હતી. લેકઝોનના સંચાલકો જાહેરમાં દેખાય તે રીતે મોટર બોટ ચલાવતા હતા અને વડોદરા શહેરના લગભગ બધા જ લોકોને એ વાતની જાણકારી પણ હતી. તેમ છતાંય વડોદરા કોર્પોરેશનના સક્ષમ અધિકારીઓ અને સત્તાધીશોએ આંખ આડા કાન કરીને લેકઝોનના સંચાલકોને મોટર બોટ ચલાવવા દીધી હતી. કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોની બેદરકારીને લીધે જ હરણી બોટકાંડ જેવી ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. તેમ છતાંય આવા અધિકારીઓ કે, સત્તાધીશો સામે નફ્ફટાઈપૂર્વક કોઈ જ પગલા લેવાયા ન હતા




Reporter: admin







