News Portal...

Breaking News :

મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા, યુવરાજસિંહ અને અભિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા

2025-09-16 14:37:09
મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા, યુવરાજસિંહ અને અભિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા


દિલ્હી:  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબાજી એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા, યુવરાજસિંહ અને અભિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.  એજન્સીના સૂત્રો પાસેથી મંગળવારે આ માહિતી મળી હતી. 



39 વર્ષીય ઉથપ્પાને 1xBet નામના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા આ કેસમાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. 22 સપ્ટેમ્બરેના રોજ ઉથપ્પાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. જયારે યુવરાજને 23 સપ્ટેમ્બરે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું છે.આ પહેલાં આ જ કેસમાં 13 ઓગસ્ટે સુરેશ રૈના અને 4 સપ્ટેમ્બરે શિખર ધવનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે આ કેસમાં ભૂતપૂર્વ ટીએમસી સાંસદ અને અભિનેત્રી મિમી ચક્રવર્તીનું પણ નિવેદન નોંધવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગાળી અભિનેતા અંકુશ હાજરા મંગળવારે ED સમક્ષ હાજર થયા હતા, જ્યારે 1xBet ના ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા મંગળવારે તેમની નિર્ધારિત તારીખે હજુ સુધી હાજર થઈ નથી.


આ તપાસ ગેરકાયદે સટ્ટાબાજી એપ્સ સાથે સંબંધિત છે, જેમના પર અનેક લોકો અને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટા પાયે કરચોરી કરવાનો આરોપ છે. કંપનીના મતે, 1xBet એક વૈશ્વિક સ્તરે માન્ય સટ્ટાબાજ પ્લેટફોર્મ છે, જે સટ્ટાબાજી ઉદ્યોગમાં 18 વર્ષથી કાર્યરત છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બ્રાન્ડના ગ્રાહકો હજારો રમતગમતની ઇવેન્ટ્સ પર દાવ લગાવી શકે છે અને કંપનીની વેબસાઇટ અને એપ્લિકેશન 70 ભાષાઓમાં ઉપલબ્ધ છે. જોકે, હવે ભારતમાં ઓનલાઈન રિયલ મની આધારિત ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલમાં ગેરકાયદે સટ્ટાબાજી એપ્સ સાથે સંકળાયેલા અનેક કેસોની તપાસ કરી રહી છે. એજન્સીનું માનવું છે કે આવી સટ્ટાબાજી એપ્સ માત્ર ગેરકાયદેસર જ નથી, પરંતુ તેના દ્વારા મોટા પાયે મની લોન્ડરિંગની પ્રવૃત્તિઓ પણ થાય છે. આ એપ્સ પર લાખો લોકો અને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટા પાયે ટેક્સ ચોરી કરવાનો આરોપ છે.આ મામલામાં ઈડીએ કાર્યવાહી ઝડપી બનાવી છે, ખાસ કરીને તે જાહેરાતો પર જેમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરો સામેલ છે. આ કારણે હવે ક્રિકેટરો અને ફિલ્મ હસ્તીઓની ભૂમિકા અંગે પણ તપાસ આગળ વધી રહી છે.

Reporter: admin

Related Post