વડોદરા : મકરસંક્રાંતિ (ઉતરાયણ) પર્વનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને શહેરના માંડવી ચાર દરવાજાથી ગેંડીગેટ દરવાજા, ચોખંડી થી પ્રતાપનગર, ફતેપુરા થી સંગમ ચાર રસ્તા જેવા વિસ્તારોમાં મુખ્ય પતંગ બજારની દુકાનો અને સ્ટોલ તથા પથારાઓ લાગી ગયા છે

સૌ શહેરીજનો શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દપૂર્ણ રીતે ઉતરાયણ પર્વની ઉજવણી કરે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા રવિવારે મોડી સાંજે શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારથી સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન અને સૂચના મુજબ જોઇન્ટ શહેર પોલીસ કમિશનર ડો.લીના પાટીલની દોરવણી હેઠળ આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેમની સાથે ડીસીપી ઝોન -3, ડીસીપી ઝોન -4,એસીપી તથા પાણીગેટ,સિટી પોલીસ સ્ટેશન,વાડી પોલીસ સ્ટેશન, નવાપુરા પોલીસ સ્ટેશન, ક્રાઇમબ્રાન્ચ, મહિલા પોલીસના પોલીસ અધિકારીઓ ખાસ જોડાયા હતા.

શહેરના માંડવી ચાર દરવાજા, ચાંપાનેર દરવાજા થી ફતેપુરા,સંગમ ચારરસ્તા કુંભારવાડા, ફતેપુરા,અડાણીયા પુલ, ગેંડીગેટ સહિતના સમગ્ર સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તદ્પરાંત ઉતરાયણ પર્વને લઇને ત્રણ કંપની એસ આર પી ની બોલાવવામાં આવી છે જે વડોદરા શહેર પોલીસ સાથે શહેરમાં શાંતિ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી થાય તે માટે ખડેપગે તૈનાત રહેશે.






Reporter: admin