વડોદરા : ઉનાળાની ઋતુને અનુલક્ષીને પાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં છેલ્લા એક માસથી કેરીની વખારો, કેરીનાં રસના તંબુઓ, શેરડીના રસના કોલા, નોન પેકેજડ ડ્રીંકીંગ વોટર (પાણીના જગ)નાં વેચાણ કરતા યુનીટોમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસર દ્વારા વિવિધ વિસ્તારોમાં 63 કેરીની વખારો, 37 નોન પેકેજડ ડ્રીંકીંગ વોટર (પાણીના જગ)નાં ઉત્પાદકો, 49 કેરીના રસના તંબુ, 67 શેરડીના રસના કોલામાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેરીની વખારોમાં કેલ્શીયમ કાર્બાઇડ વાપરવા બાબતે ચેકીંગ કરી આશરે 570 કિલો બગડેલા તેમજ કાપેલા ફળોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતું હોય શહેર વિસ્તારનાં ખંડેરાવ માર્કેટ પાછળ, સીધ્ધનાથ ગેટ, વેરાઇ માતા ચોકમાં આવેલી વખારોમાં તેમજ જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ કોર્પોરેશનનાં મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધ દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા બે ટીમો બનાવી આકસ્મીક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કેરી તથા અન્ય ફ્રુટ વેચતા વેપારી દ્વારા કેલ્શીયમ કાર્બાઇડનો આર્ટીફીશીયલ રાઇપનીંગ તરીકે ઉપયોગ બાબતે કુલ 63 વખારોમાં આકસ્મીક ચેકીંગની કામગીરી હાથ ધરતા કેરી, મોસંબી, નારંગી, દાડમ, પપૈયુ, ચીકુ જેવા આશરે 570 કિલો કાપેલા તેમજ બગડેલા ફળોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. કેલ્શીયમ કાર્બાઇડનો જથ્થો કોઇપણ સ્થળે મળ્યો નથી.
Reporter: admin







