ચાપલુસી નેતાગીરી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત વહીવટે ગુજરાત ભાજપના મૂળિયાં હલાવી નાખ્યા છે. ખુદ મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલ એ જિલ્લા વહીવટ કચેરીઓની મુલાકાત લેવાનો સમય કાઢવો પડે છે. લોક સંવાદ વખતે અધિકારીઓ ની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જેથી ગુજરાત મોડેલ સામે શંકાઓ ઉઠી છે.
આગામી ચાર મહિનામાં જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી છે અને ગુજરાતનાં પડઘા સમગ્ર મહારાષ્ટ્રમા પડઘાતા જોવા મળે તો કોઇ આશ્ચર્ય નહીં રહે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ગુજરાતમાં પણ દમદાર પ્રદર્શન અને 1 બેઠક જિતવાથી આત્મવિશ્વાસ પણ પ્રચંડ થયો છે. તો ભાજપે રાજકોટ બેઠક પરથી લોકસભા જીતેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનાં વિવાદિત નિવેદન બાદ મહિનામાં જ થયેલા અગ્નિકાંડે મહાપાલિકાના અણઘડ કહેતા ભ્રષ્ટાચારી વહીવટ અને વરસોથી ભાજપનાઆ સાશન સામે સવાલો ઉઠયા છે. વામણી નેતાગીરી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત વહીવટે સૌરાષ્ટ્ર ભાજપના મૂળિયાં હલાવી નાખ્યા.બીજી તરફ વડોદરામાં સાંસદનાં ઉમેદવાર બદલવા, સાબરકાંઠામાં ઉમેદવાર બદલવા જેવી સ્થિતિ પણ ભાજપના આ આંતરિક માળખાની ચાડી ખાય છે. અધુરામાં પૂરું, વડોદરા ભાજપના શહેર પ્રમુખ ડો. વિજય શાહએ શનિવારે કહ્યું હતું કે, જે મત વિસ્તારમાંથી મત નથી મળતા,ત્યાં મહાનગરપાલિકાની ગ્રાન્ટ વાપરવાની જરૂર નથી. આ નિવેદનથી વિવાદ વધુ છંછેડાયો છે. સી આર પાટિલ પ્રદેશ પ્રમુખ થયા ત્યારથી રાજકોટમાં ભાજપ ભાગલાની સ્થિતિમાં આવી ગયો હતો. તેમાં રૂપાલા વિવાદે આગમાં ઘી હોમવાનું કામ કર્યું.
પ્રદેશ કક્ષા સુધી તો એવી પણ માહિતી ગઈ કે કેટલાક ભાજપી નેતાઓ જ પરદા પાછળ ક્ષત્રિય સમાજના આંદોલનને દિશા આપતા હતા. હવે ભાજપનું પ્રદેશ માળખું ધરમૂળથી બદલાશે. સંગઠન અને મંત્રી મંડળમાં પણ આંતરકલહનું પરિણામ જોવા મળશે. વડોદરાના જ રાવપૂરાના ધારાસભ્ય અને પીઢ વયના યોગેશ પટેલે સરકારી કચેરીઓમાં કામ નથી થતાં તેવો બળાપો કાઢ્યો. તેમના સમર્થનમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ આવી ગયા. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ કહ્યું કે જૂનાગઢમાં પૈસા વગર કોઇ કામ નથી થતાં. કોરડીયા પોતે પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે એટલે ઘટનાઓથી વાકેફ હોય જ.ગુજરાતમાં દિવાળી પર્વ આસપાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે. એ આસપાસ જ મહારાષ્ટ્ર- હરિયાણામાં ચૂંટણીઓ છે. સૌથી મોટો પડકાર ઊતરપ્રદેશમાં રહેશે. લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશે ભાજપની ગેમ જ ચેન્જ કરી દીધી. એટલે યોગી આદિત્યનાથની ટીમ પણ આ પરિણામ પછી આત્મમંથન કરી રહી છે. દેશમાં નવી રચાએલી ‘કાંખ-ઘોડી’ સરકાર પણ વિપક્ષના મતે લાંબુ ખેંચવાની નથી. એટલે ભાજપે ફરી પાછું ગુજરાત તરફ જોઈને દેશમાં પાર્ટી સંગઠનમાં રચનાત્મકતા લાવવી પડશે.
Reporter: News Plus