વડોદરા: શહેર નજીક કોટંબી ખાતે મહિલા ક્રિકેટરો વચ્ચે ડબલ્યુપીએલ ટૂર્નામેન્ટની આરસીબી અને ડીસી વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠાં બેઠાં જ સટ્ટો રમતા પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનના કુલ પાંચ સટોડિયાને જરોદ પોલીસે ઝડપી પાડયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે કોટંબી ખાતેના ગ્રાઉન્ડમાં ગઇકાલે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપિટલ વચ્ચે ડે-નાઇટ મેચ હતી. આ મેચ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. દરમિયાન સ્ટેડિયમની પૂર્વ વિંગમાં ત્રીજા માળે ઇનરગેટ નજીક બ્લ્યૂ રંગની શીટોમાં બેસેલા ત્રણ શખ્સો ચાલુ મેચ દરમિયાન મોબાઇલમાં આઇડી રાખી લાઇવ ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્રણેને મોબાઇલ સાથે ઝડપી પાડયા હતાં.
ત્રણે યુવાનો પોતાના મોબાઇલમાં VELKI નામની વેબસાઇટમાં ક્રિકેટનો સટ્ટો રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતાં. ત્રણેના નામ પૂછતાં સબુજ પારીતોષ બિશ્વાસ, પ્રલય પારીતોષ મિસ્ત્રી (બંને રહે.રસુલાપુર, તા.અટકડા, જિલ્લો નોદીયા, પશ્ચિમ બંગાળ) અને કપિલ દિપક સરકાર (રહે.ચૌગાછા, તા.ચાકદા, જિલ્લા નોદીયા, પશ્ચિમ બંગાળ) જાણવા મળ્યું હતું. ત્રણે કોલકત્તાથી પ્લેનમાં ગુજરાતમાં આવ્યા હતાં અને ઓનલાઇન સટ્ટો રમાડતા હતાં. ત્રણે પાસેથી ૧૦ મોબાઇલ, રોકડ, ઓનલાઇન ટિકિટ મળી કુલ રૃા.૧.૯૦ લાખની મત્તા કબજે કરી હતી.આ જ મેચમાં પશ્ચિમ વિંગમાં ત્રીજા માળે દિલ્હી કેપિટલના બેનર નજીક બ્લ્યૂ રંગની શીટોમાં બેસેલા બે શખ્સો પણ મોબાઇલ ફોનમાં ચાલુ મેચ દરમિયાન આઇડી રાખી લાઇવ ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાનું જાણવા મળ્યું હતું. તેમના મોબાઇલમાં MPL નામની એપ્લિકેશન તેમજ સ્પોટ બાજી નામની એપ્લિકેશન મારફતે રન ફેર સેશનના સોફાઓ કરી સટ્ટો રમતા હતાં. બંને શખ્સોની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી હતી.
Reporter: admin







