નકલી ફાયર એનઓસી પ્રકરણમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ ટોળકી કાર્યરત છે. કેટલાય બિલ્ડીંગોમાં નકલી ફાયર એનઓસી ભીંત ઉપર લટકી રહી છે.
શહેરમાં નકલી ફાયર એનઓસી ફરે છે અને ફાયર તથા બાંધકામ વિભાગનાં જવાબદાર અધિકારીઓ મંજીરા વગાડે છે...
બાંધકામ પરવાનગી શાખામાં પણ નકલી રજા ચિઠ્ઠીઓ, નકલી ઇમ્પેક્ટના હુકમો, નકલી પીસી,ઓસી, સીસી, બનાવટી રસીદો,બનાવટી સિક્કાઓ મારેલા નકશાઓનાં પણ અમે પુરાવા ભેગા કરી પર્દાફાશ કરીશું...

નકલી ફાયર એનઓસીના મામલામાં ચીફ ફાયર ઓફિસર અને ડે.કમિશનર એટલી હદ સુધી બેજવાબદાર રહ્યા છે કે મામલો ગંભીર હોવા છતાં શહેરમાં કેટલી નકલી ફાયર એનઓસી ફરી રહી છે. તે મામલે હજુ સુધી તપાસ જ શરુ કરવામાં આવી નથી. બીજી તરફ સમગ્ર પ્રકરણમાં ભાજપના એક મહિલા કોર્પોરેટર અને તેના પતિની વચેટીયાની ભૂમિકા પણ બહાર આવી છે. સીએફઓ તો હાલ ફાયર સર્વિસ વીક ઉજવવામાં પડ્યા છે અને તેમને હજુ પણ આ મામલાની ગંભીરતાની જાણ જ નથી અને જાણ ના હોય તે સ્વાભાવિક પણ છે. કારણકે તેમનો ફાયર સર્વિસનો કોઇ અનુભવ જ નથી. રાણાજીના રાજમાં તેઓ યેનકેન ગોઠવાઇ ગયા છે. વાસ્તવમાં તેમણે તત્કાળ અર્ષ બિલ્ડીંગને નોટીસ આપીને આકરા પગલા ભરવા જોઇએ તમામ દસ્તાવેજોની ખરાઈ કરવી જોઇએ. પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટના રાજમાં આવી કેટલી નકલી ફાયર એનઓસી વહેતી થઈ છે,તેની ચકાસણી કરવી જરુરી છે. પાર્થ બ્રહ્મભટ્ટ જેટલા સમય માટે સીએફઓ રહ્યા હતા તેટલા સમય અને ત્યારબાદની તમામ એનઓસી ચેક કરવી જરુરી છે. શહેરની તમામ હોસ્પિટલ્સ, રેસ્ટોરન્ટો, જીમ,સ્કૂલ,કોચીંગ ક્લાસ,હોટેલ,સરકારી બિલ્ડીંગો,બેંકો,પેટ્રોલ પંપ વિ.જાહેર જગ્યાઓ સહિત તમામ હાઇરાઇઝ બિલ્ડીંગોની ફાયર એનઓસી ચેક કરાય તો ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે. વાસ્તવમાં ફાયર બ્રિગેડ અને બાંધકામ પરવાનગી શાખા એકબીજાને સંલ્ગન છે અને તેમની કામગીરી એકબીજાને અસર કરે છે તો બાંધકામ પરવાનગી શાખાએ પણ આ મામલામાં તત્કાળ એક્શન લઇને પરમિશન, રજા ચિઠ્ઠી તથા કમ્પ્લિશન સર્ટિફીકેટ ચેક કરવી જોઇએ તથા ડેપ્યુટી ટીડીઓએ સ્થળ પર પહોંચીને આ બાંધકામ ગેરકાયદેસર છે કે કેમ તેની તપાસ કરવી જોઇએ. આ મામલામાં એક મહિલા કોર્પોરેટર અને તેના પતિની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે,તપાસ કરવી જરુરી છે. જો કે સીએફઓ મનોજ પાટીલ અને ડે.કમિશનર દેવેશ પટેલ આ મામલે ગંભીર નથી. મામલાને દબાવી દેવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. રાણાજીના રાજમાં જેઓ હેલ્થના એક્સપર્ટ છે તેમને ફાયર વિભાગનો હવાલો આપી દેવાયો છે!! સીએફઓ સહિતના અધિકારીઓ ફાટીને ધુમાડે ગયા છે. પોલીસ તો પોતાની રીતે તપાસ કરી જ રહી છે. ફાયર વિભાગ અને બાંધકામ પરવાનગી વિભાગે મંજીરા વગાડવાના બદલે આ મામલાની ઉંડી તપાસ કરવી જરુરી છે. બીજી તરફ સીએફઓ પાટીલ કેટલા બેજવાબદાર છે તે વાતનો પુરાવો મળે છે. તેઓ જણાવે છે કે અત્યારે ફાયર સર્વિસ વીક ચાલી રહ્યું છે એટલે 20 તારીખ પછી આ મામલાની તપાસ કરીશું ! સીએફઓને કોઇ જ અનુભવ નથી તે ફરી એકવાર પુરવાર થઇ ગયું છે. આ સાથે રાણાજીનાં રાજમાં કેટલી પોલમપોલ ચાલતી હતી તે પણ ઉજાગર થઇ ગઇ છે. રાણાજીના રાજ દરમિયાન જ આ નકલી ફાયર એનઓસી બની હોવાનું પ્રાથમિક રીતે જોવા મળી રહ્યું છે

બેજવાબદાર સીએફઓ શું કહે છે...
હાલ તો 15થી 20 એપ્રિલ ફાયર સર્વિસ વીક ચાલી રહી છે અને હું તેમાં રોકાયેલો છું. 20 તારીખ પછી આ મામલે કાર્યવાહી કરાશે
મનોજ પાટીલ, સીએફઓ
મિલકત તત્કાલ સીલ કરવી જોઇએ.
હજુ કોઈ કાર્યવાહી કરી છે કે નહી તે મને ખબર નથી...ફાયર વિભાગે કદાચ નોટિસ આપી હશે. અને અગાઉ પણ નોટિસ આપી હતી. જો નકલી NOC છે તો અને અગાઉ નોટીસ નો કોઈ જવાબ ના મળ્યો હોય તો તાત્કાલિક સીલ કરવી જોઈએ...
નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર
નકલી ફાયર એનઓસી મામલે જેમણે અરજી કરી છે તે અરજદારનું આજે અમે નિવેદન લીધું છે. હવે આ પેપર જેણે સબમીટ કર્યું છે તેનું નામ મંગાવ્યું છે જેથી તેની પણ પૂછપરછ કરી તપાસ કરાશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.
જાદવ, પીઆઇ, રાવપુરા
Reporter: admin