News Portal...

Breaking News :

ગુજરાતી રિંગ લીડર હર્ષદ પટેલને ફેડરલ પ્રોસિક્યુટરોની 20 વર્ષની સજાની ભલામણ

2025-05-29 10:01:00
ગુજરાતી રિંગ લીડર હર્ષદ પટેલને ફેડરલ પ્રોસિક્યુટરોની 20 વર્ષની સજાની ભલામણ


ગુજરાતના ડિંગુચાનું પટેલ કુટુંબ કેનેડિયન સરહદેથી ગેરકાયદે રીતે સરહદ પાર કરવા જતા ઠંડીમાં ઠૂંઠવાઈને મૃત્યુ પામ્યા હતા. માનવ તસ્કરીના આ કેસમાં ગુજરાતી મૂળના કથિત રિંગ લીડર હર્ષદ કુમાર પટેલને ફેડરલ પ્રોસિક્યુટરોએ 20 વર્ષની સજાની ભલામણ કરી છે. 


આ સિવાય તેને સાથ આપનારા તેના ડ્રાઈવર સ્ટીવ એન્થની શેન્ડને 11 વર્ષની સજાની ભલામણ કરવામાં આવી છે. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે, ગુજરાતી મૂળનો અમેરિકન તથા ડર્ટી હેરીના નામથી જાણીતા હર્ષદ પટેલ ભારતથી લોકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા લાવતા હતા અને પછી ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરાવતા હતા. આમ તેઓ ભારતીયોને કેનેડા લાવે ત્યાં સુધીની બધી જ પ્રક્રિયા કાયદેસરની રહેતી હતી. કેનેડાથી અમેરિકા જ ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં આવતી હતી. હર્ષદ પટેલના માનવ તસ્કરીના આ કાવતરાનો ભોગ ગુજરાતના ડીંગુચાના 39 વર્ષીય જગદીશ પટેલ 35 વર્ષીય પત્ની વૈશાલી પટેલ, 11 વર્ષની પુત્રી વિહંગી અને ત્રણ વર્ષનો પુત્ર ધાર્મિક બન્યા હતા. 


આ તમામના ઠંડીથી ઠૂંઠવાઈને મોત થયા હતા. રોયલ કેનેડિયન પોલીસને 19 જાન્યુઆરી 2022ના રોજ મેનીટોબા અને મિનેસોટા વચ્ચે તેમના થીજી ગયેલા મૃતદેહ મળ્યા હતા. આ દંપતિ શાળામાં શિક્ષક તરીકે કામ કરતા હતાં. બીજા ગામવાસીઓની જેમ તે પણ સારા જીવનની તલાશમાં વિદેશ જવા નીકળ્યા હતા, પરંતુ તેમને અધવચ્ચે જ મૃત્યુ મળ્યું. વકીલ માઇકલ મેકબ્રાઈટે તેની નોંધમાં જણાવ્યું હતું કે, ધાર્મિકના ચહેરાને કાતિલ બરફીલા પવનથી બચાવવા જતાં જગદીશભાઈનું મોત થયું હતું. વિહંગીએ નાના બાળક માટે કાતિલ ઠંડીનો સામનો કરવા માટે અપૂરતા કહી શકાય તેવા બૂટ અને ગ્લોવ્સ પહેર્યા હતા. જ્યારે માતા વૈશાલી વાડ પર મૃત્યુ પામેલી સ્થિતિમાં મળી આવી હતી, તે ચોક્કસપણે ઠંડીથી બચવા ત્યાં ગઈ હશે. આ સમયે નજીકનું વેધર સ્ટેશન -38 ડિગ્રી તાપમાન બતાવતું હતું.

Reporter: admin

Related Post