News Portal...

Breaking News :

મોતની મુસાફરીના સુવિધા કેન્દ્રો ફરી ખુલી ગયા છે

2024-05-01 11:04:13
મોતની મુસાફરીના સુવિધા કેન્દ્રો ફરી ખુલી ગયા છે


મત ની મજબૂરી હશે??માણસનું જીવન એવું છે કે બધું થાળે પડી જાય છે.સમાજ જીવનમાં પણ કરુણ દુર્ઘટનાઓ વખતની સાથે કોઠે પડી જાય છે.એકસપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માત થયો અને ૧૦ જિંદગીઓ હોમાઈ ગઈ.હોબાળો થયો એટલે સ્મશાન વૈરાગ્ય જેવો ઘાટ થયો.ઘેટાં બકરાની જેમ મુસાફરો ભરીને બેફામ દોડતી ખાનગી પરિવહન કારો અને વાનોના પૈંડા ફરતા અટકાવી દેવાયા.ભારે હોંકારા પડકારા થાય.પોલીસ,આર. ટી. ઓ.અને હાઇવે ઓથોરિટી ,લાગતા વળગતા બધાં જ રાતોરાત સમર્પિત કર્મયોગી બની ગયા.બિનઅધિકૃત મુસાફરી કરાવતા વાહનો ચકલું ય ન ફરકે એવી સ્થિતિમાં આવી ગયા.

દરેક દુર્ઘટના પછી આવું થાય છે કારણ કે કદાચ પટકથા જ એવી લખવામાં આવે છે.પછી ધીમે ધીમે બધાને કળ વળે છે.ખાનગી વાહન ફેરવનારા દરમાં થી બહાર ફેણ કાઢે છે.સત્તા અધિકારીઓને ફરી ઘેન ચઢે છે.આંખ આડા કાન ની વૃત્તિ કબ્જો લઈ લે છે અને પરિણામે ફિર વોહી રફતાર બેઢંગી..એટલે હવે ફરીથી તૈયાર થઈ જાવ.અમિત નગર,સમા તળાવ અને દુમાડ થી ફરી પ્રાઇવેટ ગાડીઓ યમદૂત ની જેમ પ્રગટ થઈ છે.હાલ કદાચ થોડો વિવેક જાળવતા હશે થોડા દિવસો પછી ફરી ઠાંસી ઠાંસીને ગાડીઓ ભરાશે,બેફામ, આડી અવળી દોડશે.મુસાફરો જીવ મુઠ્ઠીમાં બાંધી પ્રમાણમાં થોડો સસ્તો પ્રવાસ કરતા રહેશે.

બંને બાજુ મજબૂરી છે,ગાડીઓ વાળાને ઘર ચલાવવાનું છે,પ્રવાસીઓને થોડી તકલીફ વેઠી સસ્તો પ્રવાસ કરવો છે અને સત્તા તંત્રોને મોહ,માયા અને મહોબ્બત છે.મોત તો ઘેર બેઠા પણ ત્રાટકે..એટલે નિર્ભય બનો અને જોખમી મુસાફરી કરો.ઝડપ થી પહોંચી તો જશો જ...જ્યાં જવું છે ત્યાં અથવા ઉપર..તમારી પાસે પસંદગી ના વધુ વિકલ્પો જ ક્યાં છે?..?

Reporter: News Plus

Related Post