કેલિફોર્નિયા: અમેરિકાનું એક F-16 ફાઇટર જેટ બુધવારે ટ્રેનિંગ મિશન દરમિયાન કેલિફોર્નિયામાં ક્રેશ થઈ ગયું હતું.
દુર્ઘટનાગ્રસ્ત થતાની સાથે જ ફાઇટર જેટ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અમેરિકન એરફોર્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ દુર્ઘટના કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ પાસે બની હતી, જ્યાં એલીટ 'થંડરબર્ડ્સ સ્ક્વોડ્રન'નું F-16 ફાઇટર જેટ ક્રેશ થયું. મળતી માહિતી મુજબ, આ અકસ્માત સર્જાય તે પહેલાં જ પાઇલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. પાઇલટને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.અમેરિકન વાયુસેનાના જણાવ્યા અનુસાર, આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 11 વાગ્યે બની હતી. ફાઇટર જેટ ડેથ વેલીની દક્ષિણે આવેલા એક દૂરના રણ વિસ્તારમાં જઈને પડ્યું હતું.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાઇલટ પેરાશૂટથી સુરક્ષિત રીતે બહાર નીકળે તે પહેલાં વિમાન જમીન તરફ ઝડપથી નીચે આવી રહ્યું હતું. જેવું જ જેટ જમીન સાથે અથડાયું, તેમાં જોરદાર વિસ્ફોટ થયો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં જણાવાયું છે કે F-16 અજ્ઞાત સંજોગોમાં અકસ્માતનો શિકાર બન્યું હતું. એરફોર્સના 57મા વિંગના પબ્લિક અફેર્સ ઓફિસે જણાવ્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે અને ક્રેશ સાઇટનું મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.
Reporter: admin







