પાલિકાના રાજમાં ભૂ-માફિયા,જલ- માફિયા,માટી માફીયા,ચંદન માફિયા,ફાઈલ માફિયાઓ બેફામ...
કારેલીબાગ ટાંકીમાં ટેન્કર માલિકોની બેફામ પાણી ચોરી.

કોર્પોરેશનની આંખ સામે પાણીની ચોરી, કાર્યવાહી હજુ બાકી..
રોજે રોજ 25થી વધુ ટેન્કર પાણી લઈ જતાં હોવાનો ખુલાસો; રજીસ્ટરમાં નોંધ વગર જ પાણી ઉપાડાતું—અધિકારીઓએ વહીવટમાં ખામી સ્વીકારી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું.
સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના અધિકારીઓનાં આશીર્વાદના કારણે પાણીની ટાંકીઓમાંથી ટેન્કર માલિકો દ્વારા બેફામ પાણીની ચોરી કરવામાં આવી રહી છે. નવાઈની બાબત એ છે કે કોર્પોરેશનને મામલાની જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. કારેલીબાગ પાણીની ટાંકી પરથી મોટા પાયે પાણીની ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે. મીડિયા સ્થળ પર પહોંચતાં જ ટેન્કર ચાલક ભાગી છૂટ્યો હતો.કારેલીબાગ પાણીની ટાંકી ખાતે રાખેલા રજીસ્ટરમાં ટેન્કરોની નોંધ પણ કરવામાં આવતી નથી, તેવું પણ ખુલ્યું છે.

નોંધ કર્યા વગર જ ટેન્કર ચાલકો મનમાની રીતે પાણી ઉપાડી જતા હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે એકલી કારેલીબાગ ટાંકીમાંથી જ દરરોજ 25થી વધુ ટેન્કરો દ્વારા પાણીની ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે. ટેન્કર ચાલકો બેફામ બની ગયાં છે અને તેમને રોકવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. સ્થાનિક કોર્પોરેટરો પણ આ બાબતે જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. ઈજારદારો અધિકારીઓ અને ઇજનેરો સાથે મળી સેટિંગ કરીને પાણીની ચોરી કરી રહ્યા હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.એક તરફ વડોદરાના પોણા ભાગના રહીશોને પૂરતો પાણી પુરવઠો મળતો નથી, અને મળે છે તો પૂરતા પ્રેશરથી નથી મળતો, ત્યાં બીજી તરફ આ રીતે ખુલ્લેઆમ પાણીની ચોરી થતી હોવાનો પ્રશ્ન ઉઠી રહ્યો છે. આ તો માત્ર એક ટાંકીનો કિસ્સો છે. જ્યારે શહેરની અન્ય ટાંકીઓની તપાસ કરવામાં આવે તો ત્યાં પણ પાણી ચોરીના કૌભાંડની સંભાવના નકારી શકાય તેમ નથી.કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ઇજનેરો ચૂપ છે અને માત્ર તમાશો જોઈ રહ્યા છે. પાણી ચોરો સામે કડક કાર્યવાહી ન થતાં તેઓ વધુ બેફામ બન્યા છે. મીડિયા સમક્ષ જ અધિકારીએ વહીવટમાં ખામી હોવાનો સ્વીકાર કરી કસુરવાર સામે પગલાં લેવાશે તેવી ખાતરી આપી હતી. સ્થળ પર હાજર એક્ઝિક્યુટિવ ઇજનેર હેમલસિંહે મીડિયાને જણાવ્યું હતું કે ટેન્કર અથવા વીએમસીના અન્ય વાહનો ટાંકી પર આવે તો રજીસ્ટરમાં નોંધ થવી જરૂરી છે. આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

Reporter: admin







