ફોટોજરનાલિસ્ટ ધર્મેશ ભાવસાર ૨૫ વર્ષથી કેનેડામાં સ્થાયી થયા છે..ગ્રેટ લેન્સમેન એ એમણે પોતાના ઇમેઇલ સરનામા માટે પસંદ કરેલા શબ્દો છે.વાસ્તવમાં તેઓ ખૂબ સાલસ અને ધરતી સાથે જોડાયેલા નમ્ર અને સૌજન્યશીલ વ્યક્તિ છે.
મૂળ વડોદરાના ધર્મેશ ભાવસાર ની આ વાત છે.તેઓ વડોદરામાં ફોટો પત્રકાર તરીકે તેમની યુવાનીમાં જાણીતા હતા અને આજે પ્રૌઢ વયે પણ ફોટોગ્રાફી માટે એટલા જ ઝનૂની છે.ગુજરાતના મોટા અખબારો સાથે કામ કર્યું. હાલ કેનેડામાં લગભગ ૨૫ વર્ષથી રહે છે અને અત્યારે કિચનેર માં સ્થાયી થયાં છે.વ્યવસાય બદલાયો છે પણ કેમેરાની ક્લિક અને તસવીર કળાની ચાહત ઓછી થઈ નથી.ઉમદા કેમેરા મટીરીયલ આજે તેમની પાસે છે અને આજે પણ તેમને લલચાવે છે.એટલે વ્યસ્ત જીવન વચ્ચે કલિકક્લિક નો સમય કાઢી લે છે.તાજેતરમાં લગભગ ૦૬ વર્ષ પછી,કદાચ ૨૫ વર્ષમાં બીજીવાર વતન વડોદરા સહ પરિવાર આવ્યા.તે સમયે રંગો ના ઉત્સવ હોળીનો માહોલ હતો.વ્રજભૂમિ, પુષકર અને છોટા ઉદેપુરમાં લટારો મારીને હિંદના રંગસભર,ઉર્મિસભર હોળી ઉત્સવને અને ભાતીગળ લોક સંસ્કૃતિની જીવંત પળોને કેમેરે કંડારી.અને હવે એમાં થી પસંદીદા તસવીરોનું પ્રદર્શન કિચનેરમાં સ્થાનિક પ્રશાસન ના ભરપૂર સહયોગ થી તેમણે યોજ્યું છે.કેનેડામાં આખી દુનિયાના લોકો રહે છે.ધર્મેશભાઈ કહે છે કે મારો આશય જોવા જેવું ભારત એમને તસવીરોમાં બતાવી મારા દેશના પ્રવાસી બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.અદભુત ભારતીય સંસ્કૃતિને જગત સમક્ષ મુકવાનો આ નાનકડો પ્રયાસ છે.કીચનેર સિટી હોલમાં તેમની ચુનિંદિ તસવીરોનું પહેલું એકલ (સોલો) પ્રદર્શન ત્રીજી જૂનથી શરૂ થયું છે.સુશ્રી કેરોલિના અને સહયોગી શુભેચ્છકો ના પીઠબળ થી આયોજિત તસવીરોમાં નિરૂપિત આ ભારતીય રંગોત્સવ એટલે કે તસવીર પ્રદર્શનને ૨૯ જૂન સુધી કેનેડાવાસીઓ જોઈ શકશે.સવારના ૯ થી રાત્રિના ૯ વાગ્યા સુધી પ્રદર્શનની મુલાકાત લઈ શકાશે. Colours of life એટલે કે જીવન રંગો ના શીર્ષક હેઠળના આ તસવીર પ્રદર્શનમાં તેમણે વ્રજની બરસાના ની ખૂબ જાણીતી લઠ્ઠમાર હોળી, પુષ્કરનો ભાતીગળ લોકમેળો,છોટાઉદેપુર - કવાંટ પંથકની વિશ્વ ખ્યાત ગેર અને ભંગોરિયું ઈત્યાદિ ની મસ્ત મસ્ત તસવીરો મૂકી છે.
વિશ્વમાં ગમે ત્યાં રહો ભારત માટેની અને ભારતીયતા માટેની પ્રીતિ વિસરાતી નથી,એનો અહેસાસ એમનું તસવીર પ્રદર્શન કરાવે છે.પિતા સ્વ.શાંતિલાલ ભાવસારના પગલે ફોટોગ્રાફી અને ફોટો જર્નાલિઝમાં પગ મૂકનારા ધર્મેશ ૪૫ વર્ષનો વિશાળ અનુભવ ધરાવે છે. તેમણે વડોદરાના રમખાણો ની એક હૃદયદ્રાવક તસવીર લીધી જે બીજા દિવસે માતબર ગુજરાતી અખબારમાં પહેલે પાને છપાઈ.અને તેમની તસવીર પત્રકારિતા ની યાત્રા અકસ્માતે શરૂ થઈ.અને આ લગાવ આજદિન સુધી ભૂલાયો નથી.એમના ધર્મપત્ની નીતલ પણ ઊર્મિસભર લખી શકે છે અને એમના ફોટો પેસનને સમજી શકે છે એટલે એમનું ગાડું સુપેરે ગબડે છે.ધર્મેશ ભાઈએ ૧૯૯૯ માં ભારતમાં કેનેડાના દૂતાવાસના એક કાર્યક્રમની ઉમદા ફોટોગ્રાફી કરી અને તત્કાલીન રાજદૂતે એમને કેનેડામાં વસવાટ ની ઓફર કરી.તે પછી તેઓ ખૂબ સંઘર્ષ કરીને અહીં સ્થાયી થયાં છે પણ ભારત ભુલાતું નથી.કેનેડા આવ્યાના બીજા જ વર્ષે એમની તસવીરો ભારતીય દૂતાવાસ આયોજિત cne ૨૦૦૦ માટે પસંદ થઈ હતી.તેમની તસવીરો ને ૧૦ થી વધુ રાષ્ટ્રીય/ આંતર રાષ્ટ્રીય ઇનામો મળ્યા છે.ન્યૂઝીલેન્ડ ની પ્રતિષ્ઠિત m.i.l.k. fotoz માં તેમની તસવીરને મળેલા ઇનામની રકમ વડે એમણે ૨૦૦૧ માં કેનેડામાં પહેલી કાર વસાવી એ ઘટના ગૌરવભેર આજે પણ યાદ કરે છે.આ સંસ્થાના પુસ્તકમાં તેમની તસવીરો છપાઈ અને ન્યૂયોર્ક ના ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ ખાતે પ્રદર્શિત થઈ હતી એ નોંધપાત્ર ઘટના ગણાય.તેઓ કેનેડામાં રહે છે પરંતુ એમની વતન માટેની આત્મીયતા આજેપણ અકબંધ છે.તેઓ કેનેડાના વફાદાર નાગરિક અને તેની સાથે ભારત,ગુજરાત અને વડોદરાના અનન્ય પ્રેમી છે. તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...દિલ થી...
Reporter: News Plus