ભોપાલઃ ઈન્કમટેક્સ વિભાગ દરોડા પાડવા જાય ત્યારે રોકડા,ઘરેણા કે અન્ય કિંમતી વસ્તુઓનો ખજાનો હાથ લાગે છે.
વિવિધ જગ્યાએથી મળે તો તેમને તો શું આજકાલ આપણને પણ નવાઈ લાગતી નથી, પરંતુ મધ્ય પ્રદેશની આઈ ટી ટીમને જે મળ્યું તે જોઈ સૌના છક્કા છૂટી ગયા હતા. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ઘરમાંથી ચાર મગર મળી આવ્યા હતા. વાસ્તવમાં, આવકવેરા વિભાગની ટીમે તે ઘર પર દરોડા પાડ્યા હતા, જે દરમિયાન અધિકારીઓએ જ્યારે ત્યાં મગર જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ આ બાબતે વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મગરોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
આ બાબતે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાજેશ કેસરવાની સાથે સંકળાયેલ બાબત માટે આ દરોડા પાડવામાં આવ્યા હતા. રાજેશ બીડી ઉત્પાદક, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર અને ભાજપના ભૂતપૂર્વ કાઉન્સિલર છે. જો કે, આવકવેરા વિભાગના કોઈ અધિકારીએ મગરોની રિકવરી અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.મધ્યપ્રદેશના ફોરેસ્ટ ફોર્સના વડા અસીમ શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ બાબતે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મગરોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહી છે. આ અંગેની સંપૂર્ણ માહિતી કોર્ટને આપવામાં આવશે અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે, અસીમ શ્રીવાસ્તવે સ્પષ્ટ કર્યું નથી કે તે કોનું ઘર છે સૂત્રોનું કહેવું છે કે ઘરમાં કુલ ચાર મગર જોવા મળ્યા હતા.વન વિભાગે મગરોને બચાવી સલામત સ્થળે મોકલવાનું કાર્ય હાથ ધર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આ મગરોની હાલત સામાન્ય છે અને હેલ્થ ચેકઅપ પૂર્ણ થયા બાદ તેમને સલામત સ્થળે ખસેડવામાં આવશે.
Reporter: admin