વીજાણુ મતદાન યંત્રો ને લીધે મતદાન અને મત ગણતરી,બંને પ્રક્રિયાઓ સરળ અને પારદર્શક બની છે. વી.વી.પેટને લીધે તમે જેને મત આપ્યો,મત તેને જ મળ્યો છે એવી ખાતરી મળે છે.
અવાર નવાર ઈ.વી.એમ પર શંકાસ્પદ ટેકનોલોજી સહિત વિવિધ આક્ષેપો થયાં છે પરંતુ તમામ અગ્નિ પરીક્ષાઓ આ યંત્રે આપીને અને સો ટચના સોના જેવું પુરવાર થયું છે.છતાં,આક્ષેપો થતાં રહેશે કારણ કે પરાજય હંમેશા કોઈ બહાનું કે ખોટ શોધે છે.પરંતુ ઈ.વી.એમ.મતદારો ને વિકાસના લાભોથી વંચિત રાખે અને તેમની સાથે ઓરમાયું વર્તન થાય,વ્હાલા દવલાની નીતિનો તેઓ ભોગ બને એ જોખમ સાકાર થતું જણાય છે.અગાઉ મતપેટીમાં મતદાન કરાવવામાં આવતું.ત્યારે ઘણાં બધા મતદાન મથકોની મતપેટીમાં પડેલા મતો એક કોઠીમાં નાંખીને ભેળવી દેવામાં આવતા અને પછી ૫૦ - ૫૦ મતોની થોકડી બનાવીને મત ગણવામાં આવતા.આ પદ્ધતિ હેઠળ કયા મતદાન મથકે કયા ઉમેદવારને વધુ મત મળ્યા અને કયા મતદાન મથકે કયા ઉમેદવારની વિરુદ્ધ મતદાન કર્યું એની ખબર પડવી મુશ્કેલ હતી.હા,એક ચોક્કસ વિસ્તારમાં કયા ઉમેદવારની તરફેણ થઈ અને કોનો વિરોધ થયો એની જાણ થઈ જતી.તાજેતરમાં એક જવાબદાર રાજનેતા એ જે લોકોએ મત એમના પક્ષ કે ઉમેદવાર ની તરફેણમાં ના આપ્યા હોય ત્યાં વિજેતા ઉમેદવારે વિકાસના કામોની ફાળવણી ના કરવી જોઈએ એવી જાહેરમાં ભલામણ કરી.મત કોને આપવો એ મતદારો નો વિશેષાધિકાર છે.સો ટકા મતદાન કોઈ એક પક્ષ કે ઉમેદવારની તરફેણમાં થાય એવી અપેક્ષા રાખવી એટલે લોકશાહીના પાયાનો છેદ ઉડાડવો.વિભિન્ન મત એ લોકશાહીની ખાસિયત છે.વિરોધ પક્ષ વગરની લોકશાહી સરમુખત્યારશાહી બની જાય.
એટલે આ હિમાયત વિકાસ વંચિત વિસ્તારો ઊભા કરવાનું જોખમ સૂચવે છે.જે વિજેતા બને છે એ સૌ નો પ્રતિનિધિ છે.સમતોલ વિકાસ એની જવાબદારી છે.જો કે સારી વાત એ છે કે સમાન પક્ષના એક અન્ય પીઢ નેતાએ આ વાતનો જાહેર વિરોધ કર્યો છે અને પોતાનો જ દાખલો આપ્યો છે કે હું ચુંટાયા પછી ભેદ વગર બધાના કામો કરું છું.જે વિસ્તાર મત ઓછા આપે ત્યાં વિકાસનો લાભ ન આપવાની વાત આમ તો અસ્વીકાર્ય ગણાય.કારણ કે કોઈ મતદાન મથકે ૧૦૦ મતદારો હોય અને એ પૈકી ૭૦ મતદારો વિરુદ્ધમાં અને ૩૦ મતદારો તરફેણમાં મત આપે અને વિજેતા એ મતદાન મથકની ઉપેક્ષા કરે તો સજા તરફેણમાં મતદાન કરનાર મતદારોને પણ મળે છે.એટલે આ દલીલ કરતા પહેલા વિચારવું જોઈએ.અને આમ તો આ ખામી મતદાન યંત્રની નથી.યંત્ર તો એમાં ભરેલા સૂચના સંપુટ પ્રમાણે ચોકસાઈ થી કામ કરે જ છે.પરંતુ ખરી ખામી વિચારધારા ની છે.જે મત ન આપે એનું કામ ન કરવું એવો વિચાર જાહેર જીવનની વ્યક્તિને આવે એ થોડું વધુ પડતું લાગે છે.અગાઉ ઘણી જગ્યાએ ૧૦૦ ટકા મતદાન કરનારા બુથો માટે પ્રોત્સાહન જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે.હવે ભવિષ્યમાં કદાચ ૧૦૦ ટકા તરફેણમાં મતદાન કરનાર મથકો કે વિસ્તાર માટે પ્રોત્સાહક જોગવાઇ જાહેર થશે.એનાથી નુકશાન તો લોકશાહી ને જ થશે.આ એક જ બાબતમાં ઈ.વી.એમ.ની વ્યવસ્થા ખામી વાળી જણાય છે.તેમાં કયા મતદાન મથકે કોને વધારે મત મળ્યા એ ખુલ્લું પડી જાય છે.આ ખામી કેવી રીતે સુધારવી એનો વિચાર ચુંટણી પંચ કરે તો બહેતર રહેશે.બાકી વીજાણુ મતદાન યંત્ર પારદર્શક અને નિષ્પક્ષ છે,એની સાથે છેડછાડ શક્ય નથી એ નક્કર હકીકત છે...
Reporter: News Plus