તૈયાર-તપાવેલી ગાદી ઉપર બેસનાર શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, પ્રથમ તબક્કામાં જ અસફળ રહ્યા..
વડોદરા નમો કમલમની કચરાપેટીમાં-માટીનાં ઢગલા ઉપર ટ્રક ભરાય તેટલા કોથળાઓ ભરેલા વણવપરાયેલા ખેસ,ઝંડા,ટોપી,બેનરો,આઈ.ડી.કાર્ડ સ્ટ્રીપનાં દર્શન થયા..
વડોદરા નમો કમલમ માં જ ભાજપનાં ઝંડા-ખેસ-ચૂંટણી સામગ્રી કચરામાં — સ્વચ્છતા અભિયાન પર શહેર ભાજપના નેતાઓનું પાણી ફેરવાયું...
નમો ભાજપ કાર્યાલય પાછળ પક્ષના ઝંડા, ખેસ અને ચૂંટણી સામગ્રી કચરામાં વેરવિખેર હાલતમાં, સંગઠનની બેદરકારી ખુલ્લી પડી.

નમો કમલમ કાર્યાલય પાછળ જ પક્ષના ઝંડા અને ખેસને યેનકેન ડિસ્પોઝ કરવાનું અભિયાન..
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં સ્વચ્છતા પર ભાર મૂકી વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેર ભાજપના પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાનથી કોશો દૂર હોવાનું ચિત્ર સામે આવ્યું છે. જે પક્ષે તેમને જવાબદારીઓ અને હોદ્દા આપી મોટા બનાવ્યા, તે જ પક્ષના ઝંડા અને ખેસ હાલ નમો કાર્યાલયમાં કચરામાં સડી રહ્યા છે. નમો કમલમ પાછળ ઝંડા અને ખેસને ડિસ્પોઝ કરવાનું અભિયાન ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.તપાસ દરમિયાન ચોંકાવનારી તસવીરો સામે આવી છે. જેમાં પક્ષના ખેસના ટ્રકો ભરાય તેટલા કોથળાઓ કચરામાં સડતા નજરે પડે છે. પક્ષના કોર્પોરેશનના પદાધિકારીઓ વિકાસના નામે કોન્ટ્રાક્ટરોને તગડા-ઉંચા ભાવે કામ આપી ખિસ્સા ભરી રહ્યા છે, ત્યારે પોતાના જ પક્ષના કાર્યાલયની સ્વચ્છતા અને સામગ્રીની સંભાળ લેવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે.જો પક્ષના કાર્યાલયમાં જ સ્વચ્છતા જળવાતી ન હોય, તો તે જ નેતાઓ અને કાર્યકરો શહેરીજનોને સ્વચ્છ શહેર અભિયાનની વાત કયા મોઢે કરે છે. તે સમજાતું નથી. એક તરફ પીએમ મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ રાત-દિવસ મહેનત કરીને પક્ષને મજબૂત કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર ભાજપનાં નેતાઓ તેમની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે.શહેર પ્રમુખ જય પ્રકાશ સોની રોજ કાર્યાલયમાં આવે છે. પરંતુ પક્ષના કાર્યાલયની હાલત અંગે તેમને કોઈ ફરક પડતો નથી. આવી સ્થિતિમાં ‘ભાજપને ભાજપવાળા જ ડૂબાડશે’ તેવી ચર્ચા શરૂ થઈ છે. તમામ સમિતિઓ નિષ્ક્રિય બની ગઈ છે અને સંગઠન નામ પૂરતું જ રહી ગયું છે.પક્ષના નવા કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન પણ એવા સમયે થયું કે જાણે મુહૂર્ત જ ખોટું હતું. 22 ડિસેમ્બર 2024ના રોજ કુમુર્તામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેરમાં પૂર આવે, ખાડા પડે, ભૂવા પડે અને પાણીની ગંભીર સમસ્યાઓ હોવા છતાં કોન્ટ્રાક્ટરોને ઊંચા ભાવે કામ અપાતાં ભાજપના નેતાઓએ શરમને નેવે મૂકી દીધી છે.

જયપ્રકાશ સોની પક્ષના કાર્યાલય અને સંકુલને સાચવવામાં પણ નિષ્ફળ
પક્ષના કાર્યાલયની આ હાલત જોઈને સવાલ થાય છે કે સંગઠનના કાર્યકરો કરે છે શું? શહેર પક્ષ કાર્યાલય અને તેમાં રહેલી તમામ સામગ્રીના કસ્ટોડિયન તરીકે શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીની સીધી જવાબદારી છે. જોકે સંગઠનનો કોઈ અનુભવ ન ધરાવતા જયપ્રકાશ સોની પક્ષના કાર્યાલય અને સંગઠનને સાચવવામાં નિષ્ફળ ગયા છે. યુનિવર્સિટીની વહિવટી કામગીરીનો અનુભવ ધરાવનારા, તેમણે ભૂતકાળમાં ક્યારેય કાર્યકર તરીકે પણ કામ કર્યું નથી.સ્વયંસેવકને સીધા પ્રમુખ પદે બેસાડવાનું પક્ષે સમય-સંજોગને ધ્યાનમાં રાખીને જોખમ લીધું હતું. તેમના નબળા નેતૃત્વના કારણે પદાધિકારીઓ અને કાર્યકરોમાં કોઈ શિસ્ત રહી નથી અને તમામ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. કોર્પોરેશનમાં ઊંચા ભાવે ટેન્ડરો પાસ થઈ રહ્યા છે. પક્ષ પ્રમુખને કોઈ ગણકારતું નથી.
પક્ષના ખેસ, ઝંડા અને બેનરો સહિતનો સામાન કચરામાં
કચરામાં સડતા સામાનમાં પક્ષની ટોપીઓ, ખેસ, ઝંડા,ચૂંટણી સાહિત્ય, દોરી, ટી-શર્ટ અને બેનરોનો સમાવેશ થાય છે. પક્ષને બેઠો કરવામાં નાના કાર્યકરોના વાળ ધોળા થઈ ગયા, અને આજે જ્યારે પક્ષ દિલ્હી અને ગાંધીનગરમાં સત્તામાં છે, ત્યારે વર્તમાન નેતાઓ પક્ષની અવગણના કરીને માત્ર કમાણીમાં લાગ્યા છે. જે પક્ષે તેમને માન-સન્માન આપ્યું, તે પક્ષના ઝંડા અને ખેસની આવી હાલત જોઈને કોઈ પણ સાચા કાર્યકરનું હૃદય દ્રવી ઉઠે.
નાયબ મુખ્યમંત્રીની કડક ટકોર બાદ પણ કોઈ પગલું નહીં
થોડા દિવસ અગાઉ નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં શહેર પ્રમુખ, ધારાસભ્યો, મેયર અને ચેરમેનને બોલાવી કડક ટકોર કરી હતી અને જરુરી પાઠ ભણાવ્યા હતા. છતાં તે શિખામણ સચિવાલયના ઝાંપા સુધી જ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. શહેર પ્રમુખે નાયબ મુખ્યમંત્રીની ટકોર બાદ પણ જરુરી કાર્યવાહી કરી નથી.
શહેર પ્રમુખે રખેવાળ તરીકેની જવાબદારી નિભાવવી જોઈએ
જ્યારે પીએમ મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પક્ષને મજબૂત કરવા સતત મહેનત કરી રહ્યા છે, ત્યારે શહેર પ્રમુખ પોતાના નબળા કાર્યથી વડોદરા શહેરમાં પક્ષને નબળો પાડી રહ્યા છે. શહેર પ્રમુખે રખેવાળ તરીકેની જવાબદારી નિભાવવી જોઈએ, પરંતુ તે નિભાવાતા નથી. કોર્પોરેશનના શાસકો બેજવાબદાર બની સરકારી તિજોરીને ખાલી કરી રહ્યા છે.વડોદરાનાં ધારાસભ્યો અને સાંસદોની ભૂમિકા પણ એકબીજાને પાડી દેવાની છે. આ રીતે હાલ વડોદરા શહેર ભાજપ ચાલી રહ્યું છે.બધાને મુખીયા થવું છે પણ જવાબદારી નિભાવવી નથી.






Reporter: admin







