વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 નું 6,200 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થઈ ચૂક્યું છે, અને તેના પર સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે.
કોર્પોરેશનના કહેવા મુજબ આ વખતે પ્રથમ વખત સહભાગીતાવાળું આ બજેટ બનાવવામાં આવ્યું છે, એટલે કે બજેટ બનાવતા પૂર્વે લોકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. 835 લોકોએ 1,982 સૂચનો કોર્પોરેશનને મોકલ્યા હતા. જેમાંથી 284 સૂચનોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાના કહેવા મુજબ કોર્પોરેશનમાં 1995 થી ભાજપનું શાસન છે. દર વર્ષે વિરોધ પક્ષ બજેટ ઉપર 500 થી 600 જેટલી દરખાસ્તો અને સૂચનો મોકલે છે.
આ સૂચનો વ્યક્તિગત નહીં, પરંતુ ચિંતન કર્યા બાદ શહેરના અને લોકોના હિતમાં હોય છે, પરંતુ સત્તા પક્ષ વાંચ્યા અને જોયા વિના બહુમતીના જોરે તે ઉડાડી દે છે. છેલ્લા 30 વર્ષમાં વિપક્ષનું એક પણ સૂચન માન્ય રાખવામાં આવ્યું નથી, એનો અર્થ એવો નથી કે વિપક્ષ પાસે સારા સૂચનો નથી હોતા, પરંતુ વિપક્ષના સૂચનો માન્ય રાખ્યા વિના નાગરિકોના સૂચન મગાવવા માટે આ વખતે શાસકો મજબૂર બન્યા છે, અને એમાં તેઓ ખુલ્લા પડી ગયા છે. વિપક્ષના 10% સૂચનો પણ શાસકોએ માન્ય રાખવા જોઈએ તેવી ટકોર તેમણે કરી હતી.
Reporter: admin