વડોદરા શહેરમાં ગત્ત તા. ૨૬ના સોમવારે પડેલા ભારે વરસાદમાં પણ રાજ્ય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અટકી નહોતી અને દર્દીઓને પરિવહન કરાવી દવાખાના સુધી લઇ જવા ફરતી રહી હતી.
એક કિસ્સામાં તો સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવામાં આવી હતી. સોમવારે ૧૦૮ ઉપર ૨૮૫ કોલ મળ્યા હતા. તત્કાલિક સારવાર, રક્તચાપ વધી જવું, પડી જવું સહિતની બાબતે મદદ માંગવામાં આવી હતી. આ કોલ પૈકી ૪૯ કોલ સેવા સ્થળેથી આવ્યા હતા કે, જ્યાં પુષ્કળ પાણી ભરાયા હતા. આવા સ્થળે પહોંચવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં ૧૦૮ ઉપર સરેરાશ ૨૧૦ જેટલા કોલ આવતા હોય છે. તેની સાપેક્ષે સોમવારે ૨૮૫ જેટલા કોલ આવ્યા હતા.
બીજી તરફ, સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્રથી એસએસજીમાં પ્રસુતિ માટે રંજનબેન સુંદરસિંહ પરમાર નામક ૨૫ વર્ષીય મહિલા દર્દીને લઇ આવતી એમ્બ્યુલન્સને મંજુસર રોડ ઉપર પાણી ભરાવા ઉપરાંત વરસાદનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિને પારખીને ૧૦૮ એમ્બ્યુલન્સને રોડ સાઇડ ઉભી રાખીને સારવાર શરૂ કરવામાં આવી હતી. ઇએમટી યશભાઇ પટેલે મહિલાને એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી.
Reporter: admin