News Portal...

Breaking News :

આ ગૃહ મંત્રીશ્રી અઠવાડિયે એકવાર આવે તો પણ વડોદરાના લોકોની ઘણી હાડમારીઓ નું નિવારણ થઈ જાય

2024-04-26 19:30:03
આ ગૃહ મંત્રીશ્રી અઠવાડિયે એકવાર આવે તો પણ વડોદરાના લોકોની ઘણી હાડમારીઓ નું નિવારણ થઈ જાય

ભારત સરકારના ગૃહ મંત્રી અને દિલ્હીમાં સર્વેસર્વા નં.૨ વડોદરા આવવાના છે અને ભાજપના ઉમેદવાર માટે રોડ શો કરવાના છે.સ્વાભાવિક છે કે આ રોડ શો ખૂબ ભવ્ય હશે અને એને અવિસ્મરણીય બનાવવા ભાજપ કોઈ જ કસર નહિ છોડે.આમ તો વડોદરાથી ભાજપના ઉમેદવારની જીતતો પાક્કી જ છે આ તો લીડ ૫ લાખ+ જેટલી વધારી શકાય એટલી વધારવાની વિવિધ મથામણો કરવામાં આવી રહી છે.તેમાં આ રોડ શો શિરમોર રહેશે અને કદાચ પ્રધાનમંત્રીશ્રી આગામી દિવસોમાં દિવસોમાં વડોદરામાં સભા યોજે તો આ કાર્યક્રમ એના માટે ટ્રેલર જેવો બની રહેવાનો છે.ભાજપની સાથે શહેરને સ્માર્ટ અને સુંદર દેખાડવા વડોદરા મનપાએ કમર કસી છે.રોડ શો જ્યાંથી પસાર થવાનો છે એ સમગ્ર રૂટ પર સાફ સફાઈ અને દબાણોના સફાયાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.તેનો એક આડકતરો ફાયદો થયો છે.પદમાવતી ને અડીને ન્યાય મંદિરનું સિટી બસ સ્ટેન્ડ આવેલું છે.નગરજનો એ ભાગ્યેજ આ બસ સ્ટેન્ડ ના દર્શન કર્યા હશે.કારણ એ મુખ્ય માર્ગને અડોઅડ આ બસ સ્ટેન્ડ ની આસપાસ એટલા બધા દબાણો છે કે બસ સ્ટેન્ડ લગભગ દેખાતું જ નથી અને પ્રવાસીઓ એ બસની રાહ જોવા બહારના ભાગે તાપ તડકો વેઠીને ઊભા રહેવું પડે છે.એટલે નાગરિકો માટે આ બસ સ્ટેન્ડ ના દર્શન કરવાની અનેરી તક ગૃહ મંત્રીશ્રી ના કાર્યક્રમને પગલે ખુલી છે.તેમની વિદાય પછી પરિસ્થિતિ જૈસે થે થઈ જશે અને બસ સ્ટેન્ડ પાછું અદ્રશ્ય થઈ જશે એ લગભગ તો નિશ્ચિત છે.એટલે અત્યારે બાળ બચ્ચાને આ નજારો બતાવી દેવા જેવો છે કારણ કે હવે પછી તેના દર્શન ક્યારે ખુલશે એ કહેવું અઘરું છે.હા,આ અદ્ર્શ્ય બસ સ્ટેન્ડ પાછળ નોન વેજનો વ્યાપાર ધમધમે છે.એટલે બસ સ્ટેન્ડ ખુલ્લું હોય તો પણ ચોખલિયા પ્રવાસીઓ તેની નજીક ઊભા રહી શકતા નથી.કારણ કે એમનું સંવેદનશીલ નાક આ અણગમતી વાસ સહી શકતું નથી.હવે સફાઈમાં આ વાસ નિવારણ નો સમાવેશ થયો છે કે નહિ તેની ખબર નથી.જો કે એ પણ કરવા જેવું કામ તો છે.જો કે ભારત સરકારના ગૃહ મંત્રી એ તો તમામ બોસો ( અંગ્રેજી શબ્દનું સરળ ગુજરાતી બહુવચન) ના બોસ છે.એટલે વહીવટી તંત્રમાં નવી ઊર્જા અને ચેતના સિંચાવી સ્વાભાવિક છે.એ ખોટું પણ નથી.પરંતુ જો આ ઊર્જા અને ચેતના સાથે શહેરની સફાઈ અને સૌંદર્યવર્ધનનું કામ રોજેરોજ કે દર અઠવાડિયે થતું હોય તો આમ છેલ્લી ઘડીએ બોસ કો બતાના હૈ ના સંકલ્પ સાથે મંડી પડવાની જરૂર ના રહે.પરંતુ ગૃહમંત્રીશ્રી રોજ કે અઠવાડિયે આવી ના શકે એટલે તેઓ આવે એની લોકોએ રાહ જોવી રહી.તેમની મુલાકાત એટલિસ્ટ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનું નિમિત્ત તો બને જ છે...

Reporter: News Plus

Related Post