News Portal...

Breaking News :

નવા પ્રમુખ આવ્યા બાદ પણ પાલિકામાં ભ્રષ્ટાચાર યથાવત.

2025-04-06 09:01:38
નવા પ્રમુખ આવ્યા બાદ પણ પાલિકામાં ભ્રષ્ટાચાર યથાવત.


કમિશ્નર,ચેરમેન, મેયર અને સ્થાયી સમિતિ બે લગામ...
કોન્ટ્રાકટરો પાસે ટકાવારી...ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની માયાજાળમાં ફસાય છે સામાન્ય વડોદરાવાસી...



હવે પાર્ટી ફંડની જવાબદારી ચેરમેનની ? હાલ પૂરતું નવનિયુક્ત પ્રમુખ ટકાવારીની વસુલાતમાં,ઉઘરાણાંમાં પડવા માંગતા નથી.
વડોદરાવાસીઓને ભલે એવું લાગે કે વડોદરામાં વિકાસના કામો થઇ રહ્યા છે પણ ઉંચા ભાવે કોન્ટ્રાક્ટરોને કામો પધરાવીને કમાવવાનો કારસો વર્ષોથી ચાલ્યો આવે છે.તે કદાચ સામાન્ય વડોદરાવાસીઓને ખબર નહીં હોય. અત્યારે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે લોકોને પૂર નહીં આવે તેવી લાલચો આપીને જે કામો શરુ કરાયા છે તે પણ એક કમાવવાનું સાધન જ છે. કોન્ટ્રાક્ટરો પાસે શાસક પક્ષ, વિપક્ષ અને અધિકારીઓની ટકાવારી નક્કી હોય છે અને કોન્ટ્રાક્ટર તે ચૂકવવાની હા પાડે તો જ તેના કામની દરખાસ્ત મુકાય છે. ભાજપનાં શહેર પ્રમુખ પણ બદલાઇ ગયા છે પણ જૂના શહેર પ્રમુખ વખતે જે ભાજપ પક્ષમા જે ટકાવારી ચાલતી હતી તે મુજબ હજુ પણ ટકાવારી ચાલી રહી છે. અને આજે પણ વિકાસના કામોના બહાના હેઠળ કોન્ટ્રાક્ટરોને ઉંચા ભાવની કામોની દરખાસ્તને મંજૂરી આપીને ઉઘાડો ભ્રષ્ટાચાર કરાઇ રહ્યો છે, સામાન્ય શહેરીજન કદાચ નહીં જાણતો હોય કે પાલિકાના કમિશનર, ચેરમેન, મેયર તથા સ્થાયીના સભ્યો તથા વિપક્ષ અને શાસક પક્ષ ભાજપને નક્કી કરાયેલી ટકાવારી મુજબ રકમ ચુકવવામાં આવે છે. રાણાજી ભલે વડોદરા શહેરમાં વિકાસ કરવા માટે થનગને છે પણ કોન્ટ્રાક્ટરોને ઉંચા ભાવે કોન્ટ્રાક્ટ અપાવીને તેમનો પણ વિકાસ કરી રહ્યા છે. સ્થાયી સમિતિની દરખાસ્તો તમે જુઓ તો 25 ટકાથી માંડીને 45 ટકા વધુના ભાવના ભાવપત્રકોની દરખાસ્તો જોવા મળે છે.અને સંકલન અને ત્યારબાદ સ્થાયીની બેઠકમાં શહેરની સમસ્યા ઉકેલાશે અને વિકાસના કામો થશે તેવી ગુલબાંગો પોકારીને આવી ઉંચા ભાવની દરખાસ્તોને  મંજુરી આપી દેવાય છે. લાગતાવળગતા તમામ ખુશ પણ થઇ જાય છે. એવું લાગતું હતું કે નવા શહેર પ્રમુખ આવ્યા પછી કોર્પોરેશનમાં આ પ્રકારે થતા ભ્રષ્ટાચારમાં અંકુશ આવશે પણ પાર્ટીમાં જે ટકાવારી જાય છે તે હજુ પણ લેવાય જ છે અને ભ્રષ્ટાચાર યથાવત રહ્યો છે.

તમે કદાચ માર્ક કર્યું હોય તો જ્યારથી નવા શહેર ભાજપ પ્રમુખ આવ્યા છે ત્યારથી ચોક્કસ ટોળકી વધુ સક્રિય થઇ ગઇ છે અને બ્રિજનું રીપેરીગ , રોડ, તળાવોનું નવીનીકરણ જેવી દરખાસ્તો સ્થાયીમાં અને સંકલનમાં રજુ થઇ રહી છે અને વળી આ દરખાસ્તો પણ ઉંચા ભાવની જ છે જેથી શંકા જાય તે સ્વાભાવીક છે કારણ કે નવા શહેર પ્રમુખ હજુ તો પાલિકાનો વહિવટ જાણી રહ્યા છે અને શીખી રહ્યા છે. જ્યાં નવા બ્રિજો બન્યા છે ત્યાં નવીનીકરણની શું જરુર છે તે તો સામાન્ય વ્યક્તિ પણ વિચારી શકે છે છતાં આવી કરોડોની દરખાસ્તો આવે છે અને મંજુર પણ થાય છે. પ્રજાના પૈસા અને સરકારના પૈસાનો રીતસર દુરપયોગ કરવામાં આવી રહ્યો છે. 




વહિવટ કરતા આ નેતાઓ અને અધિકારીઓ હવે વડોદરાવાસીઓને પૂરની દહેશત બતાવી રહ્યા છે કે જો આ કામ નહીં કરીએ તો ફરી પૂર આવશે અને વડોદરાવાસીઓને નુકશાન થશે અને તેથી કાંસોની સફાઇ, નાળાની સફાઇના નામે ફંડ સગેવગે કરવામાં આવી રહ્યું છે. પ્રજાને તો એમ હોય છે કે કોર્પોરેશન જે કામ કરે છે તેનાથી તેને પૂરથી છુટકારો મળશે પણ આ વહિવટ કરનારા નેતાઓ અને અધિકારીઓ ક્યારેય વડોદરાવાસીઓને ચોમાસામાં ચેનથી ઉંઘવા તો દેવાના જ નથી તે વાત ચોક્કસ છે. હવે પાર્ટી ફંડ ઉભું કરવાની વધારાની જવાબદારી ચેરમેનની થઇ ગઇ છે.

નવા શહેર પ્રમુખના આવ્યા પછી પણ ભ્રષ્ટાચાર તો યથાવત જ છે...
જે પૂર્વ પ્રમુખના રાજમાં વણિકબુધ્ધીથી હિસાબ થતો હતો તે નવા શહેર પ્રમુખના આવ્યા પછી પણ યથાવત રહ્યો છે અને નવા પ્રમુખના આવ્યા પછી પણ પાર્ટી ફંડ તો લેવાય જ છે. મોટાભાગના કામો અંદાજથી ઘણાં ઉપર જઈ રહ્યા છે અને તેમાંથી મોટાભાગના મંજૂર થઇ રહ્યા છે. જે મુલતવી રહે છે તે આવનારી સ્થાયીમાં મંજૂર જ થઇ જાય છે. પ્રજાને રીતસર લૂંટવામાં આવી રહી છે અને ભ્રષ્ટ નેતાઓ તથા અધિકારીઓનો વિકાસ થઇ રહ્યો છે. 20થી 45 ટકા ઉંચા ભાવની દરખાસ્તોને ખાસ મંજુરી આપી દેવાય છે અને જો તેમાં કોઇ વિરોધ કરે તો કોર્પોરેટર ગુસ્સામાં સંકલનની બેઠકમાંથી નીકળીને ધારાસભ્ય પાસે ફોન પણ કરાવે છે. પૂર્વ શહેર પ્રમુખ અગાઉ ચેરમેન હતા જેથી તેઓ અનુભવને જોરે કોન્ટ્રાકટર જોડે નેગોશીયેશન કરી લેતા હતા પરિણામે અમુક કામો નામંજુર થતા હતા. તેઓ દરખાસ્ત ને સમજતા હતા કારણ કે અગાઉ તેઓ ચેરમેન હોવાથી આ પ્રકારના કામોનો તેમને અનુભવ હતો.પણ છેલ્લા ઘણા સમયથી એબોવ એટલે કે ઉંચા ભાવના કામો પણ મંજુર થઇ જાય છે. નવા પ્રમુખને તેની ખબર પડતી નથી અને  ભ્રષ્ટાચાર તો યથાવત જ છે.

Reporter: admin

Related Post