દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અંગે એક મોટી અપડેટ સામે આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે EPFO ફરજિયાત PF અને પેન્શન કન્ટ્રીબ્યૂશન માટે સેલરી લિમિટ વધારીને તેના પાત્રતા માપદંડોમાં મોટા ફેરફારો કરવા પર વિચાર કરી રહ્યું છે.
સરળ શબ્દોમાં કહીએ તો EPFO વેતનની વર્તમાન લિમિટ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. અગાઉ તે 6,500 રૂપિયા હતી. આ પગલા પાછળનો ઉદ્દેશ્ય 1 કરોડથી વધુ કર્મચારીઓને પેન્શન અને PFના સામાજિક સુરક્ષા હેઠળ લાવવાનો છે.તે નક્કી કરે છે કે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ કોણ આપમેળે નોંધાયેલ છે. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન નાણાકીય સેવાઓ વિભાગ (DFS)ના સચિવ એમ નાગરાજૂએ કહ્યું કે, આ ખૂબ જ ખરાબ બાબત છે કે મહિને 15,000 થી વધુ કમાણી કરતા ઘણા લોકો પાસે પેન્શન કવર નથી અને વૃદ્ધાવસ્થામાં તેમને તેમના બાળકો પર નિર્ભર રહેવું પડે છે. તેમણે જૂની પેન્શન લિમિટને અપડેટ કરવા પર ભાર મૂક્યો છે.
વર્તમાન નિયમો હેઠળ માત્ર 15,000 સુધીની બેઝિક સેલેરી મેળવતા કર્મચારીઓને જ EPF અને EPSના દાયરામાં લેવામાં આવે છે. આનાથી થોડો વધુ પગાર મેળવનારાઓ આમાંથી બહાર નીકળી શકે છે અને અને એમ્પ્લોયરે તેને રજીસ્ટર કરાવવાની જરૂર નથી. તેનાથી શહેરી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનો મોટો ભાગ સામાન્ય પગાર મેળવતા હોવા છતાં, ઔપચારિક નિવૃત્તિ બચત વિના રહી જાય છે.રિપોર્ટ્સથી સંકેત મળે છે કે, EPFO આ લિમિટ વધારીને 25,000 કરી શકે છે અને આવતા વર્ષની શરૂઆતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા આ મામલે વિચારણા કરવામાં આવે તેવી અપેક્ષા છે. શ્રમ મંત્રાલયના એક ડેટા પરથી જાણવા મળ્યું છે કે લિમિટમાં 10,000ના વધારાથી 1 કરોડથી વધુ વધારાના કર્મચારીઓ અનિવાર્ય EPF અને EPS કવરેજ હેઠળ આવી શકે છે.
Reporter: admin







