ઐતિહાસીક માંડવી દરવાજાના જર્જરિત પાયા પરથી

પડદો હટાવ્યો તો મોટા પ્રમાણમાં કાટમાળ નીચે પડ્યો
વડોદરા શહેરની સાચી ઓળખ સમાન માંડવી દરવાજાનું સમારકામ અંતે શરુ કરવામાં આવ્યુ છે. અત્યાર સુધી માંડવી દરવાજાની નીચે લોખંડના આઠ ગડર લગાવવામાં આવ્યા હતા. જોકે, તેનાથી પિલ્લરોને મજબૂતી મળતી ન હતી અને એને પરિણામે જ માંડવીની નીચેનો એક જર્જરિત પિલ્લરનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટના બાદ સફાળા જાગેલા પાલિકા તંત્રે માંડવીના જર્જરિત પીલ્લરોને મજબૂતી પ્રદાન કરવા માટેની કામગીરી યુધ્ધના ધોરણે શરુ કરી છે. માંડવી દરવાજાની નીચે છેલ્લા ૧૩૨ દિવસથી તપ કરી રહેલા વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસ કહે છે કે, છેલ્લા બે દિવસથી કોર્પોરેશનના અધિકારીઓ આવી રહ્યા છે. તેમણે જે જગ્યાના પિલ્લરો જર્જરિત છે ત્યાં કોઈને પણ પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી દીધી છે. માત્ર જે કંપની તેમાં કામ કરતી હશે તેના કર્મચારી સિવાય કોઈને અંદર એન્ટ્રી અપાય નહીં. ખેર, આખાય વિસ્તારને બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે માંડવી દરવાજાની નીચે લોખંડની પ્લેટો, ચૂનો, પથ્થર અને સિમેન્ટનો જથ્થો લાવવામાં આવ્યો હતો. આશા હતી કે, આજથી માંડવીના પિલ્લરને મજબૂત કરવાની કામગીરી શરુ કરવામાં આવશે. પરંતુ, કર્મચારીઓએ જ્યારે એક જર્જરિત પિલ્લરને લગાવવામાં આવેલો પડદો હટાવ્યો ત્યારે એની અંદરથી ખુબ જ મોટા પ્રમાણમાં કાટમાળ ખરી પડ્યો હતો. જેને લીધે ગભરાયેલા કર્મચારીએ એના કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી. આખરે, કોન્ટ્રાક્ટર અને પાલિકાના હેરિટેજ એક્સપર્ટની ટીમે ચર્ચા વિચારણા કરીને આજનો દિવસ કામ મુલતવી રાખ્યુ હતુ. પુરાતત્વ વિભાગ, હેરિટેજ એક્સપર્ટ અને કોન્ટ્રાક્ટરની બેઠક બાદ આગામી કામગીરી શરુ કરાશે.
શહીદ ભગતસીંગની પ્રતિમા નીચેના સ્ટ્રક્ચરને પ્લાસ્ટર મારી દેવાયું
માંડવી દરવાજાની જેમ શહીદ ભગતસીંગની પ્રતિમાની નીચેના સ્ટ્રક્ચરની તિરાડો પુરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવાઈ હતી. આજે આ સ્ટ્રક્ચર પર ફરીથી પ્લાસ્ટ મારી દેવામાં આવ્યુ હતુ. આજે એક જ દિવસમાં મોટાભાગનું કામ પુરુ કરી દેવાયુ હતુ. જોકે, શહીદ ભગતસીંગની પ્રતિમાની નીચેનું સ્ટ્રક્ચર મજબૂત થશે કે કેમ ? તેવો સવાલ ઉપસ્થિત થયો હતો. સિમેન્ટની થાગડથુગડથી સ્ટ્રક્ચરને મજબૂતી પ્રદાન થશે કે કેમ ? તે પણ સવાલ ઉઠ્યો હતો. ખેર, એક જ દિવસમાં મોટાભાગનું કામ આટોપી લેવાયુ હતુ. જે આનંદની વાત છે.
Reporter: admin







