આ બાબતે કેમ કોઈ ખુલાસો આપવામાં આવતો નથી ? સ્માર્ટ મીટર ના વિરોધની શરૂઆત વડોદરાના એક બે વિસ્તારો થી થઈ અને હવે લગભગ આખા ગુજરાતમાં વિરોધની આગ ફેલાઈ છે. આ મીટર સામે ની મુખ્ય ફરિયાદ વીજ બિલ વધારે આવવાની છે.વીજ કંપનીના અધિકારીઓ લોકો ને વિવિધ રીતે સમજાવી રહ્યાં છે.હવે મીટર લગાવતા પહેલા વીજ ગ્રાહકોને સમજાવીશું એવું ડહાપણ બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ મીટર હેઠળ વીજ બિલ જૂના મીટરની સરખામણી માં વધારે આવે છે એવી વ્યાપક લોક ફરિયાદ અંગે કોઈ ખુલાસો આપવામાં આવતો નથી.પહેલો ખુલાસો તો એનો જ થવો જોઈએ.ખરેખર વીજ બિલ વધારે આવે છે? વધારે આવે છે તો કેમ વધારે આવે છે? પહેલા આ બાબત સમજાવવાની જરૂર છે. તેના બદલે બીજી બીજી વાતો કરવામાં આવે છે.વધારે વીજ બિલ એ વીજ ગ્રાહકના પેટનો દુખાવો છે.પણ એને માથાના દુખાવાની જે દવા આપવામાં આવી રહી છે.
આવું કેમ? શું વીજ કંપનીઓ કશું છુપાવવા માંગે છે.સ્માર્ટ મીટર કેટલા ખરીદ્યા? કોની પાસે થી ખરીદ્યા? શું જૂના મોટરને સ્માર્ટ મીટર થી બદલવા અંગે કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું? લોકો પાસે કોઈ વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા? આ મીટર કઈ કંપની બનાવે છે? એના માલિકો કોણ છે? આ બધા સવાલોના જવાબો આપવા જરૂરી છે. કહેવામાં આવે છે કે હાલ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ મીટર લગાવવામાં આવી રહ્યા છે.તો આ પાઇલોટ પ્રોજેક્ટનું કદ કેટલું? જૂના મીટર થી વીજ બિલ અને સ્માર્ટ મીટરથી વીજ બિલનો કોઈ સરખામણી અભ્યાસ કેમ કરવામાં આવ્યો નથી? જો અભ્યાસ થયો છે તો શું તારણ નીકળ્યું? આટલો ઉહાપોહ છતાં રાજ્યના વીજ મંત્રી મગનું નામ મરી પાડતા નથી.સરકારના વીજ સચિવ કે મુખ્ય સચિવ કોઈ જાણકારી આપતાં નથી.રહસ્ય અકળ છે. આ મીટર ખરેખર જે નિયમિત વીજ બિલ ભરે છે એને ત્યાં લગાવવાની જરૂર જ નથી. જે લોકો વીજ બિલ ભરવામાં અખાડા કરે છે,અથવા ભરતાં નથી એને તારવી,એમને ત્યાં આ મીટર લગાવો જેથી વીજ બિલ વસુલાત ની મુશ્કેલી હલ થાય.
હાલમાં વિરોધના પગલે એક સ્થાનિક ધારાસભ્ય ની દખલ થી હાલમાં નવા મીટર લગાવવાની કામગીરી રોકવામાં આવી છે.જો કે આ કામગીરી કેટલો સમય બંધ રહેશે એની કોઈ સ્પષ્ટતા નથી.હાલ કામગીરી માત્ર વડોદરામાં અટકાવવામાં આવી છે ? કે આખા રાજ્ય માં એનો ખુલાસો કોણ કરશે? ટુંકમાં,સ્માર્ટ વીજ બિલ અંગે ઘણા સવાલો ખડા થયા છે.જેના જવાબો આપ્યા વગર કામગીરી આગળ ધપાવવાની આ સમસ્યા માત્ર વધુ ઘેરી બનશે અને લોક અસંતોષ વધશે.
Reporter: News Plus