ગુણવત્તા વગરની હલકી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ કરો

શહેરનાં છાણી જકાતનાકાથી છાણી ગામ સુધી બનાવવામાં આવેલા ગૌરવ પથ બનાવવામાં કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સૌરભ બિલ્ડરે એટલી હલકી કક્ષાની કામગીરી કરી છે કે સામાન્ય ગરમીમાં પણ આ ગૌરવ પથનો ડામ પીગળી રહ્યો છે . નવાઈની વાત એ છે કે હલકી કામગીરી કરનારા સૌરભ બિલ્ડર્સને કોર્પોરેશને 8 નોટિસ આપી છે છતાં સૌરભ બિલ્ડર્સને કોર્પોરેશન દ્વારા બ્લેક લિસ્ટ કરાતો નથી. સૌરભ બિલ્ડર્સને નોર્થ ઝોનનો 30 કરોડનો વર્ક નો ઈજારો અપાયો છે અને તેમાં અત્યાર સુધી રૂપીયા 15.89 કરોડના વર્ક ઓર્ડર આપેલા છે. સૌરભ બિલ્ડર્સને ગૌરવ પથનો રૂપિયા 21.40 કરોડના અલગ થી ગૌરવ પથનો ઇજારો અપાયો છે પણ આમ છતાં તેણે તો હલકી કામગીરી કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગૌરવ પથના નામે કરોડો રુપિયાના ખર્ચે મોડલ રોડ બનાવામાં આવી રહ્યા છે અને આ રીતે છાણી જકાતનાકાથી છાણી ગામ સુધીના રસ્તાને પણ ગૌરવ પથ તરીકે ડેવલપ કરાયો હતો. આ કામગીરી સૌરભ બિલ્ડર નામના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને અપાઇ હતી પણ સૌરભ બિલ્ડરે ગૌરવ પથ બનાવામાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે. 21 કરોડના ખર્ચે બનાવાયેલો આ ગૌરવ પથ હલકી કામગિરીના કારણે હાલ સામાન્ય ગરમીમાં પણ પીગળી રહ્યો છે. ગૌરવ પથનો ડામર પીગળી રહ્યો છે અને તે જ ચાડી ખાય છે કે સૌરભ બિલ્ડરે કેવી ગુણવત્તા વગરની કરી છે. કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સે તકલાદી કામ કર્યું છે. લાકડીથી પણ ગૌરવ પથનો ડામર ઉખડી રહ્યો છે. હવે સવાલ એ થાય છે કે બેદરકાર કોન્ટ્રાક્ટર પર કોના આશીર્વાદ છે. આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ જ છાવરી રહ્યા છે. ખરેખર તો સૌરભ બિલ્ડર્સને કાયમી બ્લેક લિસ્ટ કરી દેવો જોઇએ પણ તેના બદલે માત્ર નોટિસ આપીને જ સંતોષ મનાઇ રહ્યો છે. આવી ભ્રષ્ટ કામગીરી કરનારા સામે તો પોલીસ ફરિયાદ કરવી જોઇએ. કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ જ તેને છાવરે છે.

આવા તો ઘણા કોન્ટ્રાક્ટર છે જેમણે વેઠ ઉતારી છે.
સૌરભ બિલ્ડર્સ કોર્પોરેશનને હલકી કામગીરી ધરાવતા રોડ બનાવી આપે છે છતાં કોર્પોરેશનના શાસકો તેમને કરોડોના કોન્ટ્રાક્ટ આપતા જ રહે છે. 8 વખત નોટિસો આપી હોવા છતાં તેને કઇ રીતે કરોડોના કોન્ટ્રાક્ટ અપાય છે તે શહેરની જનતા બધું સમજે છે. સૌરભ બિલ્ડર્સે શહેરમાં કરેલા તમામ કામોની ફેર ચકાસણી કરવી અત્યંત જરુરી છે. જો સૌરભ બિલ્ડર્સ આવું વેઠ ઉતારતું કામ કરતો હોય તો શહેરમાં આવા કેટલા કોન્ટ્રાક્ટરો હશે જે હલકી ગુણવત્તાભર્યું કામ કરતા હશે. આવા તમામ કોન્ટ્રાક્ટરોના કામોની તપાસ થવી જોઇએ. બધા જ જાણે છે કે શહેરના રસ્તાઓ પર કેવા ખાડા પડે છે, મોટા મોટા ભુવાઓ પડે છે અને ડામર પણ પીગળે છે, પહેલા જ વરસાદમાં રસ્તા ધોવાઇ જાય છે અને આ હલકી કામગીરી કરાઇ હોય તો જ શક્ય છે.જેથી આવું હલકું કામ કરનારા કોન્ટ્રાક્ટરોને કાયમી બ્લેક લિસ્ટ કરીને તગેડી મુકવા જોઇએ.


Reporter: admin







