બરેલી : ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થવાની ઘટના બની છે. આ ઘટનામાં આઠ મકાનો ધરાશાયી થયા છે, તો પાંચના મોત નિપજ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હાલ ધરાશાયી થયેલા મકાનના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા છે, તેની વિગતો સામે આવી નથી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ અહીં પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ ફેક્ટરી બરેલીના સિરૌલી પોલીસ સ્ટેશન હેઠળના કલ્યાણપુર ગામમાં આવેલી છે, જેમાં આજે બપોરે ચાર વાગ્યાની આસપાસ ભયંકર ધડાકો થયો છે. એવી પણ વિગતો સામે આવી છે કે, આ ફેક્ટરી ગેરકાયદેસ ચલાવાતી હતી અને તેની આસપાસ અનેક રહેણાંક મકાનો આવેલા છે. આજે આઠ મકાનો ધરાશાયી થયા છે, જેમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, સ્થળ પર એક પછી એક અનેક વિસ્ફોટ થયા હતા, જેના કારણે રહેમાન શાહના ઘર સહિત આસપાસના અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે. કાટમાળ નીચે અનેક લોકો દબાતા હાલ ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં રહેમાન શાહની પુત્રવધૂ સહિત બે મહિલાઓ કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામી છે. જ્યારે ચાર લોકોને ગંભીર હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલાયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે બે બાળકો હસન અને હસનાન ગુમ છે. SSPએ એસપી ટ્રાફિક અને સીઓ મીરગંજને ઘટનાસ્થળે મોકલ્યા છે.
Reporter: admin