સુરેન્દ્રનગર: અંદાજે 1500 કરોડના જમીન ના કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન 67.50 લાખ રોકડ સહિત પૈસાની લેતીદેતીના વ્યવહારો, દસ્તાવેજો તેમજ મોબાઈલમાં આ અંગેના ડેટા મળી આવ્યા છે. જે કબ્જે લઈને ધરપકડ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે સ્પેશિયલ ઈડીની કોર્ટના જજના નિવાસસ્થાને રજૂ કરવા આવ્યા હતા.
જો કે આરોપી ચંદ્રસિંહ મોરીના વકીલ ન હોવાથી તેના તરફથી લીગલ એઇડમાંથી વકીલની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં લઈને કોર્ટે લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરવા જણાવ્યું હતું.ત્યાર બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં ઈડીના સ્પેશિયલ વકીલ રાજેશ કાનાનીએ એવી રજૂઆત કરી હતી કે, એમની પાસેથી રોકડ રકમ મળી છે. તેમજ જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. તેમજ મોબાઈલમાંથી પણ પૈસાની લેતીદેતીના હિસાબો સહિતની વગેરે વિગતો પ્રાપ્ત થઈ છે. તેની તપાસ કરવા આરોપી ચંદ્રસિંહ મોરીને 14 દિવસના રિમાન્ડ પર સોંપવાની રજૂઆત કરી હતી. ત્યાર બાદ કોર્ટે આરોપીને 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.
Reporter: admin







