નવી દિલ્હી : કથિત દારૂ કૌભાંડના આરોપમાં ઇડી દ્વારા ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેમની અરજી પર સુનાવણી કરતા દિલ્હીની કોર્ટે શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઠપકો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે ઇડી તિહાર જેલમાં સીએમ કેજરીવાલના મેડિકલ ચેકઅપને લગતી અરજીઓ સામે વાંધો ઉઠાવી શકે નહીં.
કેજરીવાલની અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ મુકેશ કુમારે કેન્દ્રીય તપાસ એજન્સીને કહ્યું કે આરોપી કેજરીવાલ ન્યાયિક કસ્ટડીમાં છે. ઇડીની કસ્ટડીમાં નથી. જો તેને કોઈ રાહત જોઈતી હોય તો તેમાં તમારી કોઈ ભૂમિકા નથી.
કેજરીવાલની આ અરજી પર તેમણે તિહાર જેલના જેલ અધિક્ષકને કેજરીવાલની અરજીનો જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો. જેમાં તેમણે માંગ કરી હતી કે મેડિકલ ચેકઅપ દરમિયાન તેમની પત્નીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવામાં આવે.
આ કેસમાં સુનાવણી દરમિયાન ઇડી તરફથી હાજર રહેલા વિશેષ વકીલ ઝોહેબ હુસૈન, કેજરીવાલની પત્નીને વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા આપવા અંગે જેલ સત્તાવાળાઓ પાસેથી રિપોર્ટ માંગવા માટે કોર્ટને વિનંતી કરી. આ અંગે કોર્ટે કહ્યું છે કે અમે જેલ પાસેથી જવાબ માંગીશું પરંતુ આમાં તમારી કોઈ ભૂમિકા નથી.
Reporter: News Plus