મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલુકા સેવા સદનમાં કાર્યરત ઈ-ધરા કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું
આણંદ: અહીંના સારસામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સ્પષ્ટ કહ્યું હતું કે, 'અમે હવે કલેક્ટર ઓફિસે જઈશું. બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે અને ચા કરતાં વધારે કિટલીઓ ગરમ નહીં જ ચાલે.' જો કે, આ કાર્યક્રમ પૂર્ણ કર્યાં બાદ તેઓ અચાનક ખેડા જિલ્લા સેવા સદનની મુલાકાતે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેડા તાલુકા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. તેમણે તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો, મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા. આ ઉપરાંત તેમણે રોજિંદી કાર્યવાહીનું નિરીક્ષણ કરીને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો વગેરે સમયસર લોકોને મળી રહે છે કે કેમ તેની ખાતરી કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલુકા સેવા સદનમાં કાર્યરત ઈ-ધરા કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત બિનજરૂરી કોઈપણ નોંધ નામંજૂર ન થાય તેમજ તકરારી નોંધ સહિતની નોંધનો સમયસર નિકાલ થાય તે માટેની સૂચનાઓ આપી હતી. તેમણે ખેડૂતો દસ્તાવેજ નોંધણી કરાવે તે જ દિવસે ઈ-ધરા કેન્દ્રમાં તેની ઓટોજનરેટ નોંધ થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચનો કર્યા હતા. તેમણે ખેડૂતોને રસ્તાના કેસો, જન્મ પ્રમાણપત્રના કેસો તથા અન્ય તમામ કેસોનો સમયસર નિકાલ થાય છે કે કેમ તેની પણ ખાતરી આ મુલાકાત દરમિયાન કરી હતી.
Reporter: News Plus