શહેરમાં વિવિધ વિસ્તારોમાં મહિલાઓને ટાર્ગેટ કરીને છેલ્લા 2 મહિનામાં સાત સોનાની ચેઇન અને મંગળસૂત્ર તોડી ભાગી જનારા 2 રીઢા ચેઇન સ્નેચરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે અને સાત ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
શહેરના વીતેલા 2 મહિનામાં અલગ અલગ વિસ્તારમાં મહિલાઓને નિશાન બનાવીને તેમના ગળામાં હાથ નાંખીને ચેઇન સ્નેચીંગ કરવાની ઘટનાઓ વધી ગઇ હતી. આ મામલે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા હતા. દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના નેટવર્કથી જાણ થઇ હતી કે શહેરમાં ડબલ સવારીમાં બાઇક પર આવી ચેઇન સેન્ચીંગ કરવાના ગુનાઓમાં રીઢો આરોપી દીલદારસિંઘ બાવરી સીકલીગર (રહે, વારસીયા) અને તેનો જ રીઢો સાથીદાર તારાસિંગ શિકલીગર ની સંડોવણી છે જેથી ક્રાઇમ બ્રાન્ચે આ બંને આરોપીની શોધખોળ શરુ કરી હતી. અને ખોડીયારનગર વિસ્તારમાં વોચ રાખી હતી.
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ બંને શખ્સ બાઇક પર આજવા રોડ સયાજીપુરા ગાર્ડનથી હાઇવે પર જતા રોડ પર સોનાની ચેઇન વેચવાની ફિરાકમાં છે અને બંને પાસે ચેઇન સ્નેચીંગ કરીને મેળવેલી સોનાની ચેઇનો છે જેથી પોલીસ સ્થળ પર પહોંચી હતી. દરમિયાન પોલીસને જોઇને બંને શખ્સો બે અલગ અલગ બાઇક પર બેસીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે બંનેને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. બંને પાસેથી પોલીસને 2 સોનાની ચેઇ અને એકતૂટેલું મંગળસુત્ર મળ્યું હતું,. બંનેએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેઓ પૂર્વ વિસ્તારમાં રાત્રે સાડા આઠથી દસ વાગ્યા સુધી ચાલવા નિકળતી મહિલાઓને ટાર્ગેટ કરીને ચેઇન સ્નેચીંગ કરતા હતા. તેમણે એક જ રાતમાં એક સાથે ત્રણ અને અન્ય એક રાતે 2 ચેઇન સ્નેચીંગ કર્યું હતું . પોલીસે બંનેની પાસેથી 7 ચેઇન કબજે કરી હતી અને બંનેના બાઇક પણ કબજે કર્યા હતા. પોલીસે આ મામલે કપુરાઇ, બાપોદ, વારસીયા તથા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ ડિકેક્ટ કર્યા હતાઅને બંને પાસેથી સોનાની ચોઇનો તથા મંગળસૂત્ર અને બાઇક મળીને 727220 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Reporter: admin