મણિપુર : ફરી હિંસાની આગમાં લપેટાઇ રહ્યું છે, રાજધાની ઇમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કરફ્યુ લાગુ કરી દેવાયો છે.
હાલમાં ડ્રોનથી બોમ્બ વિસ્ફોટ કરવાની ઘટનાઓ પણ વધવા લાગી છે. જેના વિરોધમાં મહિલાઓ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી. લોકોમાં પ્રશાસનને લઇને ગુસ્સો વધી રહ્યો છે, કેટલાક પ્રદર્શનકારીઓએ રાજભવન પર પથ્થરમારો કર્યો હતો. કથળી રહેલા કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઇમ્ફાલ સહિત ત્રણ જિલ્લાઓમાં કરફ્યુ લાગુ કરી દેવાયો હતો. જ્યારે સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. હાલમાં હિંસાની ઘટનાઓ વધવા લાગી છે અને તે ફરી સમગ્ર રાજ્યમાં ફેલાઇ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હિંસા વધુ ફેલાતી અટકાવવા માટે સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
ગયા વર્ષે મે મહિનાથી મણિપુરમાં હિંસાની આગ સળગી રહી છે. જેને રોકવામાં સમગ્ર પ્રશાસન નિષ્ફળ નિવડયું છે. રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડીને સમગ્ર રાજ્યમાં ૧૫મી સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોબાઇલ ડેટા સર્વિસ, લીઝ લાઇન, વીએસએટીએસ, બ્રોડબેન્ડ અને વીપીએન સર્વિસનો પણ સમાવેશ થાય છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે કેટલાક અસામાજિક તત્વો ઉશ્કેરણીજનક ભાષણો, તસવીરો, વીડિયો વગેરેને સોશિયલ મીડિયા તેમજ મેસેજિંગ એપથી શેર કરી રહ્યા છે. જેનાથી હિંસા વધુ ભડકવાની શક્યતાઓ છે. આ સાથે જ તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ અને કોલેજોને બુધવારથી બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
Reporter: admin