વડોદરાના રમતવીરોને તેમજ ખેલ, સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા ત્રિ-દિવસીય ‘સાંસદ ખેલ સ્પર્ધા-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ૧૨ જાન્યુઆરી સુધી ચાલનારી આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે મોટી સંખ્યામાં બાળ, યુવા રમતવીરો ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, રમતવીરોને જીવનમાં રમતગમત અને ખેલદિલીનું મહત્વ સમજાવી ત્રિ-દિવસીય ખેલ સ્પર્ધા માટે ઉર્જાવાન બનાવતા કહ્યું કે, “૧૫ હજાર જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. હજારો બાળકો આ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે, ત્યારે સ્પર્ધામાં ભાગ લેતા ૧૫ હજારથી વધારે બાળકોને હું અભિનંદન આપવા વડોદરા આવ્યો છું”.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાથી ભારતને ૨૦૪૭માં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સાથે મળીને બાળકો, યુવાનો કે વૃધ્ધોને રમતથી સ્વસ્થ બનાવવા માટે આગળ વધવું પડશે. આપણા દેશના ખેલાડીઓએ ૧૦ વર્ષની અંદર ૫૫ મેડલ પ્રાપ્ત કર્યા છે. પેરા ઓલમ્પિકમાં ૨૮ મેડલ, ઓલમ્પિકમાં ૬ મેડલ પ્રાપ્ત કર્યા છે.તેમણે જણાવ્યું કે, રમતગમતથી શરીરમાં તદુરસ્તી વધવાની સાથે મન અને બુધ્ધીની ક્ષમતામાં પણ વધારો થાય છે. પહેલા એવું હતું કે બાળકોને માટે રમતગમત કરતા અભ્યાસને વધું મહત્વ આપવામાં આવતું હતું પરંતુ હવે રમતગમતને વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવી રહ્યો છે.
રાજય અને દેશમાં રમતગમતલક્ષી ભૌતિક સુવિધાઓ વધતા ખેલાડીઓ દુનિયામાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ખેલ મહાકુંભમાં વડોદરાના રમતવીરો શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી લોકસભા સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા ખૂબસુંદર અને સુઘડ આયોજન કરવામાં આવ્યું છે”. તેમણે તમામ રમતવીરોને શુભકામનાઓ પાઠવી આશીર્વચન આપ્યા હતા.આ પ્રસંગે સાંસદ ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, વડોદરાના ૧૫ હજાર જેટલા સ્પર્ધકો વિવિઘ તબ્બકે ભાગ લઈ રહ્યા છે. જેમાં ખો-ખો, કબ્બડી, જુડો, યોગાસન, ટેબલ ટેનિસ, ચેસ કરાટે,મલખમ,વોલિબોલ,એથ્લેટિક, ફુટબોલનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓથી યુવાનોને રમતગમતમાં રુચિ વધવાની સાથે દેશને સારા ખેલાડીઓ મળે તેવી અપેક્ષા પણ છે.આ પ્રસંગે મેયર પિન્કીબેન સોની તથા વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ધારાસભ્ય મનીષાબેન વકીલ, કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઈ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ,પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને જીતુભાઇ સુખડિયા, મ્યુનિસિપલ કમિશ્નર દિલિપ રાણા ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં બાળ રમતવીરો તેમના વાલીઓ તેમજ ખેલ મહાકુંભના વિજેતા ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin