કેટલાક લોભિયા સરકારી અધિકારીઓ બિલ્ડરોની ઓફિસોમાં જઈને કવરો લઈને સામે હુકમ આપતા થઈ ગયા છે

સરકારી કચેરીઓનાં વહિવટદારો રાક્ષસી અટ્ટહાસ્ય કરીને ખુલ્લેઆમ પ્રજાને લૂંટી રહ્યા છે.
બિલ્ડર મયંક પટેલની ઓફિસે જઇને ફાઇલોનો વહિવટ કરનારા ત્રણ નાયબ મામલતદારોને, કલેક્ટરે ઘરનો રસ્તો બતાવી દીધો છે. કલેક્ટર અનિલ ધામેલિયા સ્વચ્છ છબીના અધિકારી છે. આ વખતે વડોદરાને મોટો ફાયદો એ છે કે કલેક્ટર અને મ્યુનિ.કમિશનર સ્વચ્છ છબીના મળ્યા છે. કલેક્ટર અનિલ ધામેલિયાએ બિલ્ડર મયંક પટેલની ઓફિસે સરકારી કામકાજ માટે ગયેલા પોતાના તાબાનાં ત્રણ નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરી તેમની સામે તપાસ શરુ કરી છે. કલેક્ટરે આ દાખલો બેસાડ્યો છે. જેથી વહીવટદારો અને વચેટીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેને સરકારી કચેરીનો પનારો પડ્યો છે તે વડોદરાના પ્રત્યેક નાગરીકને ખબર છે કે સરકારી કચેરીઓમાં દલાલો, વચેટીયાઓ અને વહિવટદારો વગર કામ થતાં જ નથી. બિલ્ડર મયંક પટેલની ઓફિસે જઇને ત્રણેય નાયબ કલેક્ટરો મયંક પટેલના ઇશારે ફાઇલો ક્લિયર કરે છે કે કેમ તેની તપાસ થવી જરુરી છે, કલેક્ટરે આ મામલે પણ તપાસ શરુ કરી છે. વડોદરામાં તો વર્ષોથી આ જ વચેટીયાઓની સિસ્ટમ ચાલે છે. કલેક્ટરની નવી કચેરી કે કોઠી કચેરી હોય, રેવન્યુ કચેરી, સિટી સર્વેની ઓફિસ, કોર્પોરેશનની, નર્મદા ભુવનની, કુબેર ભુવનની સહિત અનેક સરકારી કચેરીઓમાં દરેક જગ્યાએ વચેટીયા, કહેવાતા આરટીઆઇ એક્ટિવિસ્ટો અને દલાલો તથા વહિવટદારોનું ભારે વર્ચસ્વ છે અને તેમના વગર સરકારી અધિકારીઓ કોઇ જ કામ કરતા નથી કે ફાઇલોને મંજૂર કરતા નથી. જેમ પોલીસ તંત્રમાં વહિવટદાર હોય છે તેમ આ તમામ સરકારી કચેરીમાં પણ વહિવટદારો રાક્ષસી અટ્ટહાસ્ય કરીને પ્રજાને લૂંટી રહ્યા છે. કલેક્ટરે અને મ્યુનિ કમિશનરે હવે ઓપરેશન ક્લિન ચાલુ કરીને આવા દલાલો અને વચેટીયાઓનો સફાયો કરવો જોઇએ તો વડોદરાની પ્રજા તેમના માટે કાયમી આભારી રહેશે.
વચેટીયાઓ, દલાલો કે વહિવટદારો આ નિર્દોષ પ્રજાને લૂંટીને મફતમાં થતા કામનો હજારમાં પતાવડાવે છે...
અશાંત ધારા, લેન્ડ ગ્રેબીગ, મહેસુલને લગતા કેસો, ખેતી, બિનખેતી, જમીન સુધારણા,જીલ્લા પુરવઠા સહીત અનેક સરકારી વિભાગોમાં ઘણા કામો કે જ્યાં વચેટીયાઓ વગર સામાન્ય નાગરીક કોઇ જ કામ કરાવી શકતો જ નથી. પોતાનું કામ યોગ્ય હોય અને સરકારના દિશા નિર્દેશ મુજબનું હોય તેમ છતાં આવા ભ્રષ્ટ અધિકારીઓ નિર્દોષ પ્રજાને હેરાન કરે છે અને ત્યારબાદ વચેટીયા કે દલાલો કે વહિવટદારો આ નિર્દોષ પ્રજાને લૂંટીને મફતમાં થતા કામનો લાખોમાં પતાવડાવે છે. વર્ષોથી આવી મોટી ફોજ સરકારી કચેરીઓમાં ખડકાઇ ગયેલી છે કેટલાક લોભીયા સરકારી અધિકારીઓ હવે મયંક પટેલ જેવા બિલ્ડરોની ઓફિસે જતા થઇ ગયા છે. હવે ડોર ટુ ડોર સર્વિસ મળતી થઈ ગઈ છે. ગોઠવણ થઈ ગઈ હોય તો અધિકારીઓ બિલ્ડરોની ઓફિસમાં જઈને હુકમો આપતા હોય છે. સરકારી કચેરીઓમાં વહીવટદારોનો રાફડો છે. આ કૌભાંડ વર્ષોથી ચાલતું આવેલ છે પણ અનિલ ધામેલિયા જેવા કડક અને કાબેલ કલેક્ટરે તેને પકડી પાડ્યું છે. આશા છે કે કલેક્ટર આવા અધિકારીઓ સાથે દલાલોને પણ કાયદાનો રસ્તો બતાવશે.
Reporter: admin







