નવી દિલ્હી : કર્ણાટકમાં અભિનેતા કમલ હાસનની ફિલ્મ ઠગલાઇફ સિનેમાગૃહોમાં રજૂ ન કરવા દેનારા સામે પગલાં ભરવા કર્ણાટક સરકારને આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઇની લાગણી દુભાઇ જાય એટલે જ ફિલ્મ દર્શાવવાનું, સ્ટેન્ડ અપ કોમેડી કરવાનું કે કાવ્યપાઠ કરવાનું બંધ ન કરી દેવાય.
જસ્ટિસ ઉજ્જવલ ભૂયાન અને જસ્ટિસ મનમોહનની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે ભારતમાં તો લાગણી દુભાઇ જવાનો કોઇ અંત જ નથી. જો સ્ટેન્ડ અપ કોમેડિયન કશું કહે તો લાગણી દુભાઇ જાય છે અને લોકો દેખાવો અને ભાંગફોડ કરવા માંડે છે. આપણે ક્યાં જઇ રહ્યા છીએ? શું આનો અર્થ એવો છે કે આપણે દેખાવો થાય એટલે ફિલ્મ બતાવવાનું, સ્ટેન્ડ અપ કોમેડી કરવાનું કે કાવ્યપાઠ કરવાનું બંધ કરી દેવું જોઇએ? આપણે ક્યાં જઇ રહ્યા છીએ? સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સરકારે સોગંદનામું નોંધાવી ફિલ્મ રજૂ કરવાનો માર્ગ મોકળો કરી દીધો છે.
અમે ન્યાયના હિતમાં કોઇ માર્ગદર્શક રેખાઓ જાહેર કરવાનુંં કે દંડ લાદવાને બદલે મામલો પતાવી દઇએ છીએ. જો કે, અમે કર્ણાટક સરકારને આદેશ આપ્યો છે કે કોઇ વ્યક્તિ કે જૂથ ફિલ્મને રજૂ થતી અટકાવવા ધાકધમકી કે હિંસાનો પ્રયાગ કરે તો સરકાર પ્રવર્તમાન કાયદાઓ હેઠળ તેમની સામે પગલાં ભરશે અને તેમની પાસેથી નુકશાન વસૂલ કરશે. કમલ હાસન પાસેથી માફી મંગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ -કેએફસીસી-ને જણાવ્યું હતું કે અમે આમ ન થવા દઇ શકીએ.કોઇનો મત અલગ હોય એટલે ફિલ્મ રજૂ થતાં અટકાવવાની? સ્ટેન્ડ અપ કોમેડી થતી અટકાવવાની? કાવ્ય પાઠ બંધ કરી દેવાનો?કેએફ સીસીના વકીલે જ્યારે બચાવ કર્યો કે અમે રાજ્યમાં થઇ રહેલાં દેખાવોને ધ્યાનમાં લઇ માફી માંગવા જણાવતો પત્ર જારી કર્યો હતો, તેમને કોઇ ધમકી આપી નહોતી.
Reporter: admin







