વડોદરાના હૃદયસ્થળ માંડવી હેઠળ આજે તપના 188મા દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ દેવ ઉઠી એકાદશીના પાવન પ્રસંગે ચાર ઐતિહાસિક મંદિરોના મુખ્યાજી ભેગા થયા.
વિઠ્ઠલનાથજી મંદિરના મુખ્યાજી હરિઓમ રામકૃષ્ણ વ્યાસે જણાવ્યું કે વિઠ્ઠલાજી મંદિરનો વરઘોડો દેવ ઉઠી એકાદશીના દિવસે સવારે 9:00 વાગ્યે મંદિરથી નીકળશે. રણછોડરાયજી મંદિરના મુખ્યાજી જનાર્દનભાઈ દવે મુજબ તેમના મંદિરનો વરઘોડો તેવી જ રાત્રે 9:00 વાગ્યે એમ.જી. રોડ માર્ગે પ્રસ્થાન કરશે. રામજી મંદિર, દલા પટેલની પોડનો વરઘોડો જે દર વર્ષે અગિયારસે નીકળે છે, તે આ વર્ષે અગિયારસ-બારસ ભેગા આવવાને કારણે 2 નવેમ્બરના રોજ રાત્રે 9:00 વાગે નીકળશે. નાના નરસિંહજી મંદિરના પૂજારી ઋત્વિકભાઈ દવે પણ માંડવી નીચે ઉપસ્થિત રહ્યા હતા, જેમનો વરઘોડો દેવ દિવાળીના સાંજે નીકળશે અને એમ.જી. રોડ પર થઈ આગળ જશે.
આ બધા વરઘોડાઓ વર્ષોથી માંડવીની વચલી કમાનમાંથી નીકળે છે. જે પરંપરા ગાયકવાડીકાળથી અવિરત રીતે જાળવવામાં આવી રહી છે. પૂજારીઓએ મહાનગરપાલિકાના કમિશનરને અપીલ કરી છે કે પરંપરા આ વર્ષે પણ જળવાય એ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે.મહાનગરપાલિકા, પોલીસ અને ટ્રાફિક વિભાગે હંમેશા જે રીતે સહયોગ આપ્યો છે તે જ રીતે આ વર્ષે પણ યોગ્ય વ્યવસ્થા કરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. તમામ મુખ્યાજી અને ધાર્મિક આગેવાનોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારાસ્થાપિત “વિરાસત અને વિકાસ”ના સંદેશને અનુસરતા વડોદરા મહાનગરપાલિકા આ ધાર્મિક પરંપરાના જતન માટે પૂર્ણ સહકાર આપશે.
Reporter: admin







