ડે.મેયર સાહેબ, હવે પ્રમુખ બદલાઈ ચુક્યા છે..મનમાની હવે નહી ચાલે
શહેરમાં હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં કાર ચાલક નબીરા રક્ષિતે નશો કરીને કાર ચલાવી 8 લોકોને અડફેટમાં લેતાં 1 મહિલાનું મોત થયું હતું. ઘટનાના પગલે લોકોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી ફરી વળી હતી. આવા સમયે શહેરના નેતાઓએ પ્રજાની સાથે રહી પીડિત પરિવારની સાથે રહેવુ જોઇતું હતું. નફ્ફ્ટ નેતાઓ ભાન ભુલ્યા હતા અને કેટલાક નેતાઓએ તો ધુળેટીનો રંગારંગ કાર્યક્રમ પણ કર્યો હતો. ઘટનાનાં પગલે શહેર ભાજપ પ્રમુખ, સાંસદે ધુળેટીનો કાર્યક્રમ રદ કરી દીધો હતો. ડે.મેયરે કાર્યક્રમ ચાલુ રાખતા વિવાદ સર્જાયો હતો.

હોલી તેરે કિતને સારે રંગ , નેતા આપકે કિતને કિતને રંગ...
વડોદરા શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હોળીની રાત્રે બનેલા ગમખ્વાર અકસ્માતના બનાવને ધ્યાનમાં રાખી શહેર ભાજપ પ્રમુખ જય પ્રકાશ સોની ધુળેટીનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી હતી. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે રંગોત્સવનો કાર્યક્રમ યોજતા વિવાદ સર્જાયો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહીત કોર્પોરેટર, કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે હવે જોવાનું રહે છે કે શહેર પ્રમુખ ડેપ્યુટી મેયર સામે કાર્યવાહી કરે છે કે કેમ.એક તરફ વડોદરામાં આક્રોશ હતો ત્યારે ડે.મેયરને ત્યાં યોજાયેલા ધુળેટીના કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ ડો.વિજય શાહ, ધારાસભ્ય કેયુર રોકડીયા, ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ, કોર્પોરેટર અને મહામંત્રી જશવંતસિંહ સોલંકી, રાકેશ સેવક અને બાકીના ચહેરા લોકો ઓળખી લેશે. આ નેતાઓ શોક ભુલીને ધુળેટી રમ્યા હતા. વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાત્સવે સાદાઇથી કાર્યક્રમ કર્યો હતો.
ભાન ભુલેલા નેતાઓને પીડિત પરિવારોની કંઇ જ પડી નથી...
શહેરમાં બનેલા ભયાનક અકસ્માતના પગલે લોકોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાન ભુલેલા નેતાઓને પીડિત પરિવારોની કંઇ જ પડી નથી. વડોદરામાં નેતાઓમાં સોશિયલ મીડિયામાં દુ:ખ વ્યક્ત કરવાની જાણે કે હોડ જોવા મળી હતી. આ નેતાઓ પીડિત પરિવારને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તે માટે કોઇ જ નક્કર કાર્યવાહી કરતા નથી.
કડક પગલાં લઇ દાખલો બેસાડવો જોઇએ...
આવી ઘટનાઓમાં જવાબદાર અધિકારીઓની માત્ર બદલી કરી દેવાય તે જ સોલ્યુશન નથી પણ કડક કાર્યવાહી એવી કરો કે બીજો અધિકારી આવી ભુલ ના કરે. સરકારી કર્મચારીઓને તો એમ જ હોય છે કે શું પગલાં લેવાશે. માત્ર બદલી થઇ જશેને..આવા ભ્રષ્ટ અધિકારીઓ પણ સમજી ગયા છે કે સરકાર કે તંત્ર તેમનું કશું બગાડી લેવાની નથી અને પછી તેઓ પોતાના ગોડફાધરના શરણે જતા રહે છે. હવે મુખ્યમંત્રીએ ગંગાજળ અભિયાન સહિત કડક પગલાં ભરવા જોઈએ અને દાખલો બેસાડવો જોઇએ પરંતુ કોઈ નિર્દોષ અધિકારી ભોગ ના બંને એનું ધ્યાન પણ સરકારે અને તંત્ર એ રાખવાની જરૂર છે.
હોળીના તો ભલે અનેક રંગ હોય પણ વડોદરાના નેતાઓ પણ વારંવાર રંગ બદલે છે તે પુરવાર થઇ ગયું...
હોળી ધુળેટીનો તહેવાર રંગોનો તહેવાર છે પણ આ તહેવારમાં જ બનેલી શોકગ્રસ્ત ઘટનાને વડોદરાના નેતાઓ ભુલી ગયા હતા. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જેવા શહેરના મહત્વના હોદ્દેદારે શોક ભુલીને રંગારંગનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. જેમાં નેતાઓ બિન્ધાસ્ત બની શોકને ભુલીને ધુળેટીનો તહેવાર માણ્યો હતો. તેથી જ હોળીના તો ભલે અનેક રંગ હોય પણ વડોદરાના નેતાઓ પણ વારંવાર રંગ બદલે છે તે પુરવાર થઇ ગયું છે.

નેતાઓએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી પણ આરોપીને કડક સજા થાય તેવું પણ કરવું જોઇએ...
શહેરમાં આવી કોઇ ઘટના બને ત્યારે નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય થઇ જાય છે અને શ્રદ્ધાંજલિ આપે છે. જો કે ભલે તેઓ સોશિયલ મીડિયામાં લોકોને સારુ લાગે તે માટે શ્રદ્ધાંજલિ આપે પણ પીડિતોને તો ત્યારે જ ન્યાય મળશે જ્યારે જે તે ઘટનાના આરોપીને કડક સજા થાય. હરણી કાંડ વખતે પણ નેતાઓએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી હતી અને દુખ વ્યક્ત કર્યું હતું પણ જવાબદારો સામે હજુ સુધી કડક કાર્યવાહી કરાઇ નથી, તે હવે આ નેતાઓ ભુલી ગયા છે. જવાબદારોને કડક સજા મળે ત્યાં સુધીના પ્રયાસો નેતાઓએ કરવા જોઇએ તો જ પીડિતોને શ્રદ્ધાંજલિ મળી છે તેમ કહી શકાશે. આમ્રપાલીની ઘટના બાદ શહેર ભાજપ પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીએ સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કરીને ધુળેટીનો કાર્યક્રમ રદ કરાયેલો હોવાનું જણાવ્યું હતું.સાંસદ હેમાંગ જોશીએ પણ સોશિયલ મીડિયામાં શોક વ્યકત કર્યો હતો. પૂર્વ પ્રમુખ ડો.વિજય શાહે પણ શોક વ્યક્ત કરી ગૃહ રાજ્ય મંત્રીને ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસ વધતા હવે સરકાર દ્વારા નિર્ભયા ફંડ જેવા ફંડની જાહેરાત કરાય તો તેના દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસ ઘટાડી શકાય તેમ વણમાંગી સલાહ આપી હતી અને આરોપીને જલ્દી કડક સજા થાય તે માટે વિશેષ કાયદાની જોગવાઇ કરવાની માંગ કરી હતી. ધારાસભ્ય બાળુ શુક્લાએ પણ આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો હતો. જો કે નવલખી મેદાન રેપ કેસ અને ભાયલી રેપ કેસમાં જે રીતે ઝડપી કાર્યવાહી ચાલે તે માટે નેતાઓએ રસ લીધેલો તેવો જ રસ હરણી બોટકાંડ કે પછી રક્ષિત કાંડ કે પછી શહેરમાં બનતા અન્ય હિટ એન્ડ રનના બનાવોમાં પણ લેવો જોઇએ અને આરોપીને કડક સજા થાય તેવા પ્રયાસો કરવા જોઇએ.




Reporter: admin