વડોદરા ફાયર વિભાગના એક પછી એક ખુલતા કૌભાંડો..
મ્યુનિસિપલ કમિશનર હજી પણ ખેલ જોયા કરે છે કોઈ ઠોસ પગલાં નહીં..
વડોદરા પાલિકામાં અત્યાર સુધી જેટલા પણ મ્યુનિસિપલ કમિશનર આવ્યા, તેઓ જાણે વડોદરા પિકનિક મનાવવા આવતા હોય તેવી રીતે આવીને, કેમ્પ ઓફિસમાં બંધ બારણે વહીવટ કરીને એકાદ વર્ષમાં જતા રહે છે.
જે મ્યુનિસિપલ કમિશનર આખા અઠવાડિયામાં બે કલાક પણ મુલાકાતીઓ માટે સમય ન ફાળવી શકતા હોય તો એમને સનદી અધિકારી તરીકે,પાલિકામાં નોકરી કરવાનો કોઈ અધિકાર નથી. સોમવાર અને ગુરુવારે જ 4:30 થી 6:30 મુલાકાતનો સમય હોવા છતાં પણ તમારું નસીબ હોય તો મુલાકાત થાય...
વડોદરા પાલિકા, કંઈ બોડી બામણીનું ખેતર છે?ભરતી વખતે કોઈપણ બનાવટી/નકલી સર્ટિફિકેટ રજૂ કરો તે પાલિકા ચલાવી લે ? નિવૃત્ત થાય ત્યાં સુધી કોઈ વેરિફિકેશન નહીં ? બધું સેટિંગ ડોટ કોમથી ચાલે છે?..
અમદવાદ ફાયર બ્રિગેડમાં બોગસ સ્પોન્સરશીપ પત્રના આધારે નાગપુર ફાયર કોલેજમાંથી બોગસ સર્ટિ મેળવીને નોકરી કરનારા ચાર અધિકારીઓને,હાઈકોર્ટનાં આદેશને પગલે અમદાવાદ કોર્પોરેશને તગેડી મુક્યા છે. ત્યારે વડોદરા ફાયર બ્રિગેડમાં પણ અમદાવાદથી જ નોકરી કરવા આવેલા અધિકારીઓએ કેવી રીતે નોકરી મેળવી છે તથા તેમના સ્પોન્સરશીપ લેટરોની ઉંડી તપાસ થવી જોઇએ. ડે.ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટની પણ તપાસ થવી જરુર છે. અમારી જાણ મુજબ નૈતિક ભટ્ટની જન્મ તારીખ 07-08-1992 છે અને 07-08-2010ના રોજ તેમના 18 વર્ષ પૂર્ણ થાય છે. જો કે નવાઇની વાત એ છે કે નૈતિક ભટ્ટ અમદાવાદની વટવાની અનાર કેમિકલ્સ નામની કંપનીમાં 5 વર્ષની નોકરી કરેલી છે. જો તેમણે 07-08-2010ના રોજ આ કંપનીમાં નોકરી મેળવી હોય અને 5 વર્ષની તેમણે આ કંપનીમાં નોકરી કરી હોય તો 07-08-2015ના રોજ તે નાગપુર કોલેજમાં સબ ઓફિસરની ટ્રેનીંગ માટે એલિજીબલ થાય પણ નૈતિક ભટ્ટે તો નાગપુરની ફાયર કોલેજમાં જુલાઇ 2014 થી ડિસેમ્બર, 2014 સુધી કોર્સ કરેલો છે. શું ચાલુ નોકરીએ નૈતિક ભટ્ટ છ મહિનાનો કોર્સ કરવા નાગપુર કોલેજ ગયેલા તે તપાસનો વિષય છે. અને શું તે 18 વર્ષના થયા ત્યારથી જ તે અમદાવાદની કંપનીમાં નોકરી કરવા લાગ્યા હતા તે પણ તપાસનો વિષય છે. અમારી જાણ મુજબ નૈતિક ભટ્ટે પણ બોગસ સ્પોન્સરશીપ પત્રના આધારે નાગપુર કોલેજમાં પ્રવેશ મેળવીને કોર્સ કરેલો છે અને જાણ મુજબ નાગપુર કોલેજે આ મામલે ફરિયાદ પણ કરેલી છે. વડોદરા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા સીએફઓ, ડે.સીએફઓ અને ફાયર ઓફિસરોની લાયકાત, સ્પોન્સરશીપ લેટરો અને કોર્સને લગતા તમામ પ્રમાણપત્રો-દસ્તાવેજની તપાસ કરવી જરુરી છે. ઉલ્લેખનિય છે કે ડે.સીએફઓ નૈતિક ભટ્ટે અગાઉ કોર્પોરેશન પાસે પોતાની માટે અલગથી ગાડી માગેલી હતી. ગુજરાતની અસ્મિતાએ આ બાબતે અહેવાલ પ્રસિદ્ધ કરતાં જ કોર્પોરેશને તેમને ગાડી આપી ન હતી. હવે કોર્પોરેશને આ તમામ અધિકારીઓ સામે તપાસ પણ કરવી જોઇએ કે તેમણે કઇ રીતે કોર્સ કરેલો છે.
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ ગંભીર નથી...
અમદાવાદ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને ફાયર બ્રિગેડમાં જે ગરબડ ગોટાળા ચાલી રહ્યા છે તે બાબતે કંઇ જ પડી નહી હોવાનું ફલિત થઇ રહ્યું છે. પૂર્વ કમિશનર રાણાજીના રાજમાં સીએફઓની નિમણુક થઇ ગઇ હતી. પણ તે વિવાદીત હોવાના મામલે હાલના કમિશનરને કંઇ પણ ખબર ના હોય, તે ક્યારેય બની ના શકે. ડે. ચીફ ફાયર ઓફિસરની નિમણુંક પણ જાન્યુઆરી 2025 માં રાણાજીના રાજમાં થઇ હતી. જેથી ચીફ ફાયર ઓફિસર અને ડે.ચીફ ફાયર ઓફિસર તપાસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આમ છતાં તેમણે આ મામલાની ગંભીરતાથી તપાસ કરાવી નથી. ડે.કમિશનર ગંગાસિંઘ જેમની પાસે ફાયરનો હવાલો છે તે પણ સહેજ પણ ગંભીર નથી. જો અમદાવાદ કોર્પોરેશનના કમિશનર વિજીલન્સ તપાસ કરાવીને મામલાનો પર્દાફાશ કરતા હોય તો વડોદરાના કમિશનરે પણ આ બાબતે વિજીલન્સ તપાસ કરાવવી જરુરી છે. ફાયર બ્રિગેડના સીએફઓએ ફાયરના સાધનોની ખરીદીમાં ગરબડ ગોટાળા કરેલા છે તેની તપાસ પણ એક અઠવાડીયાથી ચાલી રહી છે પણ હજુ કોઇ પગલાં લેવાયા નથી.
ભારે વરસાદની આગાહી વચ્ચે પણ કમિશનરનો ફેમિલી ટાઇમ
વડોદરાના લોકોનું નસીબ જ એવું છે કે તેમને સારા અધિકારીઓનો લાભ જ મળતો નથી. હાલના વડોદરાના કમિશનર અરુણ મહેશ બાબુ મીડિયામાં આવીને,નેતાઓની ઢબે માત્ર શો બાજી કરતા રહે છે પણ તેમના રાજમાં પણ સર્વત્ર ભોપાળું જ ચાલી રહ્યું છે. 27થી 30 જુલાઇ શહેરમાં ભારે વરસાદગી આગાહી હવામાન વિભાગે કરેલી છે. કમિશનર અરુણ મહેશ બાબુ ફેમિલી સાથે ટાઇમ એન્જોય કરી રહ્યા છે. વડોદરાના લોકોને જો કોઇ સમસ્યા રજૂ કરવી હોય તો તે ફોન ઉપાડતા નથી. ભારે વરસાદની આગાહી વચ્ચે પણ જો કમિશનરને લોકોની ના પડી હોય તો તેમનાં હાથ નીચેના અધિકારીઓ તો કેવી રીતે લોકોની સમસ્યા હલ કરશે તે સવાલ છે.
પ્રમાણપત્રોને ચકાસ્યા વગર નૈતિક ભટ્ટને વડોદરા ફાયર બ્રિગેડને નોકરી કઇ રીતે મળી?
જ્યારે ફાયર સેફ્ટીની ડીગ્રીના નકલી પ્રમાણપત્ર અને અનુભવના સર્ટિફીકેટને આધારે પાલિકામાં ક્લાસ વન નોકરી મેળવવાના કૌભાંડ અને સીએફઓ તરીકે મનોજ પાટીલની નિમણુક કરાઇ ત્યારે તે સમયે ગુજરાતની અસ્મિતાએ લખેલું હતું કે ડે.સીએફઓ નૈતિક ભટ્ટની નિમણુક પણ શંકાના દાયરામાં છે. તેમનો જન્મ 1992માં થયેલો છે અને 2010માં તેમની ઉંમર 18 વર્ષની થઇ છે તો 5 વર્ષના અનુભવ બાદ તેમને એલીજેબલ ટ્રેનીંગ કોર્સમાં જઇ શકે. અમારી જાણકારી મુજબ અમદાવાદમાં પણ નૈતિક સામે વિજીલન્સ તપાસ ચાલુ હતી અને નાગપુરમાં તેમની આખી બેચ પર ફોજદારી ગુનો દાખલ થયેલો હતો. તેવા સમયે પ્રમાણપત્રો ચકાસ્યા વગર નૈતિક ભટ્ટને વડોદરા ફાયર બ્રિગેડને નોકરી કઇ રીતે મળી તે તપાસનો વિષય છે.
Reporter: admin







