હરણી બોટકાંડની ચકચારી ઘટનામાં મૃતક બે શિક્ષિકા અને બાર બાળકોને વળતર આપવાના મુદ્દે હાલ વડોદરા નાયબ કલેક્ટર સમક્ષ સુનવણી ચાલી રહી છે.
દરમિયાન શાળા સંચાલકો તરફથી રજૂ કરવામાં આવેલા શિક્ષીકાઓના પગાર પત્રકોમાં મૃત શિક્ષીકાઓની બનાવટી સહિ કરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેથી આ મામલે અરજી સ્વરૂપે લેખિતમાં રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. તે બાદ આજે વળતર અંગેની નાયબ કલેક્ટર સાથેની સુનવણીમાં આ મુદ્દે મૃતક શિક્ષિકાના પરિજનો દ્વારા બોગસ સહિવાળા પગાર પત્રકો શાળા દ્વારા રજૂ કરાયા હોવા બાબતનું સોગંદનામું રજુ કરવામાં આવ્યું છે. અને ન્યુ સનરાઇઝ શાળાના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની વધુ એક વખત માંગ કરવામાં આવી છે.હિતેશ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, હરણી બોટકાંડના મામલે નાયબ કલેક્ટરની સમક્ષ જે તપાસ ચાલી રહી છે, તેમાં શાળા સંચાલકો તરફથી છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલના પગારના પુરાવા મંગાવ્યા હતા, જેમાં પગાર પત્રક પર રેવન્યુ સ્ટેમ્પ લગાવીને પગાર ચુકવવામાં આવતો હતો. જે દસ્તાવેજ રજૂ થયા બંન્ને શિક્ષિકાઓના નવેમ્બર અને ડિસેમ્બર 2023 માં બનાવટી અને ખોટી સહી હોવાનું જણાતુ હતુ.
તેમણે કહ્યું હતું કે ગત વખતે મૃત શિક્ષકોની ખોટી સહી કરી ખોટા પગાર પત્રકો રજૂ કર્યા હતા તે સંદર્ભે બંને શિક્ષીકાના સ્વજનના સોગંદનામા રજૂ કરાયા છે. આ મામલે અરજી અપાઇ છે કે નવા કાયદા મુજબ જે જોગવાઇ છે કે તપાસ કરવાની જરુર છે. સાચા દસ્તાવેજો પ્રમાણે શું પગાર હતો તેની તપાસ થાય અને પોલીસ તપાસ કરીને તત્કાળ અહેવાલ મંગાવાય અને અસલ દસ્તાવેજો મંગાવાની રજૂઆત કરાઇ છે. હવે પછીની 30 તારીખની મુદત આપવામાં આવી છે. હાલ જે ન્યાયીક કાર્યવાહીચાલી રહી છે તેમાં મૃતકો સાથે ઇજાગ્રસ્તોને વળતર મળે તે માટે રજૂઆત કરાઇ છે પણ ખોટા બનાવટી પૂરાવા જે રજુ થયા તેનાથી સાચા નિર્ણય પર આવી શકાય તેમ નથી. અમારા તરફથી 5 કરોડની માગ કરાઇ છે.તેમણે એમ પણ કહ્યું કે અમારી માગ ક્લિયર છે કે આ સમગ્ર કાંડમાં ભ્રષ્ટાચાર થયો છે. બનાવટી દસ્તાવેજના આધારે કોર્પોરેશન દ્વારા કોટીયા પ્રોજેક્ટને આ જવાબદારી સોંપાઇ હતી. સ્કૂલે પણ ગેરકાયદેસર રીતે પ્રવાસનું આયોજન કરેલું જેથી આ તમામ જવાબદાર છે અને તેથી વળતરની રકમ તમામે સંયુક્ત રીતે ચૂકવવી પડે જે ભ્રષ્ટાચાર કરવામાં સહભાગી થયા હોય તેમ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું.
Reporter: admin







