તા. ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૪ એટલે કે શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સમગ્ર દેશમાંથી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હસ્તકના સ્કીલ ઈન્ડિયા અને ટેકનિકલ શિક્ષણ સાથે જોડાયેલા કુલ ૧૬ શિક્ષકોને નેશનલ ટીચર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અને આ ૧૬ શિક્ષકોમાં સમાવેશ થાય છે ગુજરાતના એક માત્ર શ્રેષ્ઠ શિક્ષક દર્શનાબેન કડિયાનો.
ગુજરાત માટે તો અત્યંત ગૌરવની વાત છે, પરંતુ વડોદરાવાસીઓની છાતી ગજ ગજ એટલા માટે ફૂલી રહી છે, કારણ કે આ શ્રેષ્ઠ શિક્ષક દશરથ આઈ. ટી. આઈ. ના ઈલેક્ટ્રીશીયન ટ્રેડના સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર છે. સમગ્ર ગુજરાતની આઈ. ટી. આઈ. માંથી માત્ર વડોદરાની દશરથ આઈ. ટી. આઈ.ના શિક્ષકને આ સન્માન મળે, તો બીજું શું ઘટે !શ્રેષ્ઠ શિક્ષક દર્શનાબેન કડિયા વિશે જાણતા પહેલા તેનો પરિચય આપીએ તો, તાલીમાર્થીઓની શ્રેષ્ઠ અને સોનેરી કારકિર્દીના ઘડતર માટે તેઓ છેલ્લા ૧૨ વર્ષથી સમર્પિત છે. ઈલેક્ટ્રીશીયન દર્શનાબેન ઈલેક્ટ્રીશીયન ટ્રેડમાં તાલીમાર્થીઓને તકનીકી અને રોજગારલક્ષી પ્રશિક્ષણ આપે છે. ઈલેક્ટ્રીશીયન ટ્રેડમાં નવપ્રયોગને પ્રાધાન્ય આપી આ ટ્રેડને તાલીમાર્થીઓ માટે વધુ રૂચિકર અને સરળ બનાવ્યો છે. ઓન ધ જોબ ટ્રેનિંગ, ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ, પ્રોજેક્ટ વર્ક અને ઈ-કન્ટેન્ટ વર્કને જોડીને તેઓ તાલીમાર્થીઓને ગુણવત્તાપૂર્ણ તાલીમ આપી રહ્યા છે.આ શ્રેષ્ઠ શિક્ષકના વિદ્યાર્થીઓ આજે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરીને પોતાના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારી રહ્યા છે. અત્યાર સુધી ૧૫૦ થી વધારે વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શનમાં તાલીમ લઈ ચૂક્યા છે, જેમાંથી ૨૫ જેટલા વિદ્યાર્થીઓ હાલ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ સરકારી વીજ કંપનીઓ તથા રેલવેમાં પણ ફરજ બજાવી રહ્યા છે.
તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે દર્શનાબેન કડિયાને નેશનલ ટીચર્સ એવોર્ડની સાથે સિલ્વર મેડલ, સર્ટિફિકેટ અને રૂ.૫૦ હજારની ધનરાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ શિક્ષકોને પ્રસંશનીય કામગીરી કરવા બદલ રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ તેમને રૂબરૂ મળીને પ્રોત્સાહિત કર્યા હતા.પારિતોષિક વિજેતા દર્શનાબેન કડિયા પોતાના અમૂલ્ય સન્માન બદલ ખુશી વ્યક્ત કરીને જણાવે છે કે, આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવા બદલ રાષ્ટ્રપતિ અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર. તેમણે વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી સાથે વાતચીત કરવાના અવસરને સુવર્ણ અને દુર્લભ ગણાવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આવી જ રીતે ગુજરાતની અન્ય આઈ. ટી. આઈ. માંથી સુપરવાઈઝરને ભવિષ્યમાં એવોર્ડ મળે અને ગુજરાતનું નામ વધુને વધુ ગૌરવાન્તિત થાય તેવી અભ્યર્થના છે. તાલીમાર્થીઓમાં કૌશલ્ય નિર્માણ થકી કારકિર્દીનું સુદ્રઢ ઘડતર થાય તે માટે તેમણે ગુજરાતભરની આઈ. ટી. આઈ.ના સુપરવાઈઝરોને અપીલ કરી છે.સમગ્ર ગુજરાત અને વડોદરા માટે ગૌરવરૂપી આ સિદ્ધિ બદલ નિયામક રોજગાર અને તાલીમની કચેરી, નાયબ નિયામક(તાલીમ) વડોદરા, આઈ.ટી.આઈ દશરથના પ્રિન્સિપાલ વર્ગ-૧ અને ૨,આઈ.ટી.આઈ દશરથના તમામ સ્ટાફ તેમજ તાલીમાર્થીઓએ શ્રેષ્ઠ શિક્ષક દર્શનાબેન કડિયાને અભિનંદન પાઠવ્યા છે.
Reporter: admin