કાંસ પર સ્લેબના અભાવે દુર્ગંધ વચ્ચે જીવતા પરિવારોની મહિલાઓ જ મહિલા મેયરને પૂછી રહી છે આકરા સવાલો....
મેયરના વોર્ડ માજ પૂર સમયે પાણી ભરાયા હતા...

ગુજરાતીમાં બે કહેવત છે.ભુવો ધૂણે તો નાળિયેર ઘર તરફ ફેંકે.અને ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો.હાલમાં મહિલા મેયર પિંકી સોની આખા શહેરની ચિંતા સેવી રહ્યા છે,કમિશ્નર દ્વારા અવગણના ની જાહેરમાં ફરિયાદ કરી રહ્યા છે.પરંતુ એમના વોર્ડ નં.4 ના કેટલાક વિસ્તારોના નાગરિકો ખુદ મેયર પર એમની સોસાયટી,એમના પ્રશ્નોની અવગણના કરવાનો આરોપ મૂકીને, એમની કાંસ વિષયક તકલીફોનું નિવારણ ના થાય તો આંદોલન ઉપાડવા અને ધરણા કરવાનો ઉપાય નાછૂટકે અજમાવવાના મૂડ માં આવી ગયા છે.વોર્ડ નં.4 ના આ લોકોને,ભુવો ધૂણે તો નાળિયેર ઘર તરફ ફેંકે એ કહેવત પ્રમાણે મેયર પોતાના વિસ્તારનો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરી આપશે એવો વિશ્વાસ હતો.પરંતુ વ્યાપક રજૂઆતો છતાં તેમના પ્રશ્નનો ઉકેલ મેયર દ્વારા ન લવાતા, ઘરના છોકરા ઘંટી ચાટે ની કહેવત યાદ આવી રહી છે.

મેયરના વોર્ડમાં કૃષ્ણ કુંજ સોસાયટી આવેલી છે. આ સોસાયટીની બહારથી અને સોસાયટી ને અડીને જ વરસાદી કાંસ પસાર થાય છે.આ કહેવાતો કાંસ અત્યારે તો બદબુદાર ગટર બની ગયો છે અને ચોમાસા વગર એમાં ધોધમાર ગંદુ પાણી વહેતુ જોઈ શકાય છે.વરસાદી કાંસ છે કે ગટર એ સમજવું મુશ્કેલ છે.ગયા ચોમાસામાં પુરની ત્રણ ત્રણ આફતો દરમિયાન આ સોસાયટીના ઘરોમાં પાણી ભરાવા થી પારાવાર નુકશાન થયું હતું.તે સમયે આ કાંસનો સ્લેબ તૂટી ગયો જે બીજું ચોમાસુ નજીક આવી ગયું છતાં બનાવવામાં આવ્યો નથી.આ કાંસમાં વહેતુ પાણી અહીં રહેવું મુશ્કેલ બને એટલી ગંધ મારે છે અને તેના લીધે અઢળક મચ્છરો નો ત્રાસ વેઠવો પડે છે.અહીં ના નાગરિકો નાક પર રૂમાલ મુક્યા વગર અહીં થી પસાર થઈ શકતા નથી.
સ્લેબ નહીં બને તો ફરીથી પુરનું પાણી ભરાશે: સ્થાનિક
ખાસ કરીને મહિલાઓને ભારે ત્રાસ વેઠવાની ચિંતાની સાથે આગામી ચોમાસા સુધી અહીં સ્લેબ નહીં બને તો ફરીથી પુરનું પાણી ભરાશે અને પાછું નુકશાન થશે નો ભય રાત્રે ઊંઘવા દેતો નથી.આ વોર્ડના પ્રતિનિધિ મહિલા છે,શહેરના મેયર છે છતાં એમના વોર્ડની મહિલાઓ ની વિપદા સાંભળવાની એમની પાસે ફુરસદ નથી.મનપાના અધિકારીઓ અને નેતાઓને રજુઆત કરો ત્યારે એક જ વાત કરે છે કે કામનું ટેન્ડર નીકળ્યું છે.પરંતુ આ કામ કરવાનું મુહૂર્ત નીકળતું જ નથી.વોર્ડના નાગરિકો પૂછી રહ્યા છે કે શહેરમાં કરોડો અને અબજો ના બ્રિજોના ટેન્ડર ફટાફટ ખુલે છે અને કામ ચાલુ થઈ જાય છે તો આ કાંસ પરના આ નાનકડા સ્લેબનું ટેન્ડર ક્યારે ખુલશે???
Reporter: