News Portal...

Breaking News :

પાડાના વાંકે પખાલીને ડામ... કામમાં બેદરકાર કે કોચરા અધિકારીઓને સજા રૂપે આદિવાસી વિસ્તારોમાં બદલવાની નીતિ કેટલી વાજબી

2024-06-16 17:58:36
પાડાના વાંકે પખાલીને ડામ...  કામમાં બેદરકાર કે કોચરા અધિકારીઓને સજા રૂપે આદિવાસી વિસ્તારોમાં બદલવાની નીતિ કેટલી વાજબી




   

   રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રજાના દુખે દુઃખી થનારા આત્મીયતા ભરેલા અને સંવેદનાના માણસ છે.સમ્યક ધાર્મિક સંસ્કારો એ એમને લોક હિતની ચિંતા કરનારા બનાવ્યા છે.
   તાજેતરમાં તેમણે આણંદના કાર્યક્રમ પછી કોઈ આગોતરી જાણ કર્યાં વગર ખેડા કલેકટર કચેરીની મુલાકાત લીધી. તેમણે અરજદાર નાગરિકોને સીધા મળીને એમની મુશ્કેલીઓ,તકલીફો, તંત્રના અભિગમ ની સીધી જાણકારી મેળવી.
  આ એક ખૂબ સારી બાબત છે.માત્ર મુખ્યમંત્રી એ જ નહિ મંત્રીઓ એ તેમના વિભાગની જિલ્લા કચેરીઓની આ રીતે મુલાકાત લેવી જોઈએ.સાચા અર્થમાં જાણ કર્યા વગર લેવી જોઈએ.ક્યારેક ગામડિયા નો વેશ પહેરીને,રિક્ષામાં આવીને લેવી જોઈએ.કલેકટરો એ પણ તાબાની કચેરીઓમાં એકાએક પહોંચી સાચી હકીકતો નો તાગ મેળવવો જોઈએ.
   અગાઉ આવા ઘણાં અધિકારીઓની દંતકથાઓ જેવી વાતો સાંભળી છે.આ અધિકારીઓ ક્યારે ક્યાં પહોંચી જશે અને કોની ખેરખબર લેશે એની કોઈને ખબર પડવા ન દેતા.વાહન ચાલકને પણ વાહનમાં બેઠાં પછી ફલાણી જગ્યાએ ગાડી લઈ લો એવી સૂચના આપતા.
   પરિણામે પરિસ્થિતિનો સાચો ચિતાર મળતો અને વહીવટી સુધારણાના પગલાં લઈ શકાતા.
  



મુખ્યમંત્રી ની આ આકસ્મિક મુલાકાતમાં કહેવાય છે કે એક મહિલા મુખ્ય અધિકારીની કચેરીમાં મુલાકાતીઓની સુવિધા સચવાતી ન હોવાનું અને કામમાં ગેર વાજબી તકલીફો પડતી હોવાનું જણાયું.
   તપાસ સીધી મુખ્યમંત્રી એ કરી હતી એટલે કોઈ બીજા અધિકારીઓને પૂછીને ખાતરી કરવાનો સવાલ જ રહેતો ન હતો.
   તેની પ્રતિક્રિયા રૂપે પહેલું પગલું એ અધિકારીની આદિવાસી વિસ્તારમાં બદલીનું લેવામાં આવ્યું.કદાચ ખાતાકીય વધુ પગલાં પણ લેવાય.
  વહીવટી તંત્રમાં આવી બદલીને punishment posting ના રૂપાળા નામે ઓળખવામાં આવે છે. નકામા જણાયેલા અધિકારીને સજા આપવા ક્યાં તો આદિવાસી કે સરહદી વિસ્તારમાં અથવા અંતરિયાળ વિસ્તારમાં મોકલી દેવામાં આવે છે.
  આવું કેમ? પોતાની કામગીરીમાં યોગ્ય ન જણાયેલ અધિકારીને આદિવાસી કે સરહદી વિસ્તારમાં મૂકો તો સજા એને થાય કે એ વિસ્તારના નિર્દોષ નાગરિકો ને થાય?
   ચોક્કસ,સજા આવા અધિકારી ને નહિ પણ બદલીને મૂકવામાં આવ્યો હોય એવા વિસ્તારના નાગરિકોને થતી હોય છે.
   



આ વિસ્તારમાં જાગૃતિનો અભાવ હોય,જાણકારીનો અભાવ હોય,નાગરિકો શહેરી કે અર્ધ શહેરી વિસ્તાર ના નાગરિકો જેટલા જાગૃત ના હોય,જાણકાર ના હોય,એમના પડખે ઉભુ રહેનારું કોઈના હોય એટલે સજા પામેલા અધિકારીને ઘણીવાર સજા ને બદલે મજા નો ઘાટ થાય છે.હા,અવર જવરની કે એ પ્રકારની થોડી તકલીફો પડે પણ એ લોકો કુશળતા થી બધું જ ગોઠવી લેતા હોય છે.
  એટલે સાહેબ આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ છે.જ્યાં ફરિયાદો હતી ત્યાં વધુ કર્મઠ અધિકારી મૂકવામાં આવશે.એટલે એમની તકલીફો મટશે.પરંતુ હાર્દ સમા વિસ્તારમાં જેઓ સારું કામ નથી કરતા તેઓ આદિવાસી વિસ્તારમાં શું નહિ કરે?
  એટલે સજા રૂપે આદિવાસી કે સરહદી વિસ્તારોમાં આ પ્રકારના અધિકારીને મૂકવાના અભિગમ પર તાત્કાલિક પુનર્વિચાર કરવાની જરૂર છે.આવા અધિકારીને સીધા કલેકટર કે અન્ય ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ રાખી અથવા સચિવાલયમાં બદલી એમની કામગીરી અને સુધારા પર નજર રાખવી જોઈએ.
   આદિવાસી કે સરહદી વિસ્તાર આ પ્રકારના લોકોને મોકળું મેદાન આપવાનું અભ્યારણ્ય નથી .ખરેખર સજાની અનુભૂતિ થાય એવી જગ્યાઓ શોધી રાખીને આવા લોકોને કપરી કામગીરી સોંપવી જોઈએ.
  આદિવાસી વિસ્તારના સાંસદ,ધારાસભ્યો, પદાધિકારીઓ પણ તેમના ક્ષેત્રનો punishment posting માટે ઉપયોગ ન થવો જોઈએ એવી મક્કમતા સરકાર સમક્ષ દાખવવી જોઈએ.

Reporter: News Plus

Related Post