નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભા અને રાજ્યસભાને સંયુક્ત સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, આજે દેશમાં મોટા નિર્ણયો ઝડપથી લાગુ થઈ રહ્યા છે. આ ફેંસલાથી દેશના ગરીબ, મહિલાઓ અને વંચિતોને લાભ મળ્યો છે.
સરકારે પીએમ આવાસ યોજનાનો વિસ્તાર કરીને 3 કરોડ પરિવારોને આવાસ આપવાનો ફેંસલો કર્યો છે. પીએમ સ્વામિત્વ યોજના અંતર્ગત બે કરોડથી વધુ લોકોને સ્વામિત્વ કાર્ડ આપવામાં આવ્યા છે. પીએમ કિસાન સમ્માન નિધિ અને આયુષ્માન યોજના અંતર્ગત કરોડો લોકોને સહાય આપવામાં આવી છે.વાંચો રાષ્ટ્રપતિના અભિભાષણના મુખ્ય અંશો: રાષ્ટ્રપતિએ કહ્યું, સરકારે યુવાનોને શિક્ષણ અને રોજગાર માટે નવી તકો આપવા પર વિશેષ ધ્યાન આપ્યું છે. યુવાનોને ટોચની કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરવાનો અવસર પણ આપવામાં આવી રહ્યું છે.પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત 10 કરોડ કનેકશન આપ્યા છે. આવી યોજનાથી ગરીબો પણ સ્વમાનભેર જીવન જીવી શકે છે. દેશમાં મધ્યમ વર્ગનો એક નવો વર્ગ તૈયાર થયો છે, જે દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે.
મધ્યમ વર્ગ જેટલા સપના જોશે, દેશ તેટલો જ વિકાસ કરશે.રાષ્ટ્રપતિએ કહ્યું, દેશની 10 કરોડથી વધુ મહિલાઓને સ્વયંસેવી સંગઠનોમાં જોડવામાં આવ્યા છે. લખપતિ દીદીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા મહિના પહેલા બીમા સખી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે મહિલાઓ લડાકુ વિમાન ઉડાવી રહી છે અને કોર્પોરેટ સેક્ટરનું નેતૃત્વ કરી રહી છે. દેશની દીકરીઓ ઓલિમ્પિકમાં મેડલ જીતીને વિશ્વમાં નામ રોશન કરી રહી છે.આપણું લક્ષ્ય ભારતને ઈનોવેશન ગ્લોબલ પાવરહાઉસ બનાવવાનું છે. રિસર્ચને પ્રોત્સાહન આપવા 10 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ભારતની યુપીઆઈ ટેકનોલોજીની સફળતાથી અનેક વિકસિત દેશો પ્રભાવિત થયા છે. આજે 50 ટકાથી વધારે રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થઈ રહ્યા છે. સાઇબર સુરક્ષાની દિશામાં મોટું કામ થઈ રહ્યું છે.એમએસએમઈ માટે ઋણ ગેરંટી યોજના અને ઇ-કોમર્સ નિકાસ કેન્દ્ર દેશના તમામ ક્ષેત્રોમાં વ્યાપારને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આજે દેશના નાના ઉદ્યોગોને પણ આગલ વધવાની સમાન તક મળી રહી છે.
Reporter: admin