ફીરોજપુર: પંજાબના ફીરોજપુર -ફાજિલ્કા હાઇવે પાસે ટ્રક અને પિકઅપ ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રત થયા છે.
આ અકસ્માત 7:45 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પંંજાબના ફીરોજપુરથી પિકઅપમાં બેસીને જલાલાબાદ કોઇ કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા હતા, ત્યારે રોડની બાજુમાં ઉભેલા ટ્રક સાથે પિકઅપની ટક્કર થઇ ગઇ હતી અને ઘટનાસ્થળે જ 9 લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં રોડ સેફ્ટી ફોર્સ ઉપરાંત ગ્રામણીઓ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. અકસ્માતમાં 15થી વધુ લોકોને ઇજા પહોંચી હતી, જેમને સારવાર માટે આસપાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બંને વાહનો વચ્ચે ટક્કર બાદ ભયાનક ધડાકો થતાં આસપાસના સ્થાનિક રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. ડી.એસ.પી. સતનામ સિંહે જણાવ્યું કે અકસ્માતની જાણ થતાં જ 10 મિનિટમાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અત્યાર સુધી મૃતકો અને ઇજાગ્રસ્તોની ઓળખ થઇ શકી નથી. ઇજાગ્રસ્તોને સારવાર માટે તેમને એમ્બુલન્સ દ્વારા ફીરોજપુર, ફરીદકોટ, જલાલાબાદ અને ગુરૂહરસહાય મોકલવામાં આવ્યા છે. અકસ્માત ધુમ્મસના લીધે અથવા અન્ય કારણોથી સર્જાયો હતો તે અંગે તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા કેસની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
Reporter: admin