વડોદરા : સાંસ્કૃતિક સમૃદ્ધિ અને શાસ્ત્રીય વિભૂતિઓના ભાવવાહ સંગમ રૂપે, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, વડોદરા દ્વારા સંચાલિત તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે “સંગીત સાહિત્ય શિબિર”નું દ્વિદિવસીય ભવ્ય આયોજન તા. ૩૦ અને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ ગાયન વાદન સભાખંડ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, સુર સાગર, વડોદરા ખાતે વિધિવત યોજવામાં આવ્યું છે.

શિબિરના પ્રારંભ દિવસે નૈષધકુમાર કાલિદાસ મકવાણા, નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી (કવિ-સાહિત્યકાર, કેળવણીકાર અને વકતા) એ “સાહિત્યનો મહિમા” વિષય પર પોતાની ઉર્જાસભર પ્રસ્તુતિ દ્વારા સાહિત્યની અનમોલ કીર્તિ, સંસ્કૃતિ પર તેની અવિસ્મરણીય અસર તથા સંગીત સાથેના તેના અભિન્ન સંબંધ અંગે ઉંડાણપૂર્વક અધ્યયનપ્રેરક ચર્ચા કરી.તત્પશ્ચાત, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગના અધ્યક્ષ ડૉ રાજેશ કેલકર દ્વારા “ધ્વનિ અને સંગીતના ચમત્કારો” વિષયક ઉદ્દીપક વ્યાખ્યાન યોજાયું, જેમાં સંગીતશાસ્ત્ર અને ધ્વનિવિજ્ઞાનના મનમોહક તત્વોને ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યા.

ધ્વનિની સંવેદનાઓ અને સંગીતની મહત્તા અંગે વિમર્શ કરતા તેઓએ શ્રોતાઓને રાસાયણિક અને ભૌતિક પરિપ્રેક્ષ્યમાં સંગીતના માહાત્મ્યથી અવગત કર્યા હતા.આ શિબિરમાં ૧૦૦ થી વધુ ભાવિ કલાકારો અને જ્ઞાનપિપાસુઓએ ભાગ લઈ, સાહિત્ય તથા સંગીતના અવિનાશી સમન્વયનો પરમ આનંદ માણ્યો હતો.શિબિરના દ્વિતીય દિવસે, ફેકલ્ટીના પ્રતિષ્ઠિત પ્રોફેસર ગૌરાંગ ભાવસાર તેમના ઉચ્ચ સ્તરીય વ્યાખ્યાન દ્વારા કલાની ગહનતા પર પ્રકાશ પાડશે.




Reporter: admin