વડોદરા : શહેરમાં સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે ભારે વિવાદ સર્જાયા બાદ હવે સત્તાધારી પક્ષ વડોદરા શહેર ભાજપ દ્વારા કારેલીબાગ કાર્યાલય ખાતે પ્રેસ યોજી સ્મશાનોના સંચાલનની પ્રક્રિયા અગાઉની માફક યથાવત રાખવાનો નિર્ણય કરવાની નોબત આવતા સ્મશાનના ખાનગીકરણના મનસ્વી નિર્ણય સામે સવાલો ઊભા થયા છે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું હતું કે, ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરમાં સ્મશાનના ખાનગીકરણને લઈ વિવાદ જોવા મળી રહ્યો છે, જેથી આ વિવાદથી બહાર નીકળવા તથા લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં અગાઉ જે પ્રકારે સ્મશાનોનું સંચાલન થતું હતું તે પ્રકારે જ થશે.
સ્મશાનોની સંખ્યા વધતા ટ્રસ્ટ સિવાયના સ્મશાનોમાં વ્યવસ્થા ઊભી કરવા કોર્પોરેશનને એક પ્રક્રિયા અનુસરવી પડે છે, અગાઉની સ્થિતિ મુજબ સ્મશાનોનું સંચાલન થાય તેવો આગ્રહ ભાજપ તરફથી રહ્યો છે અને રહેશે.
Reporter: admin







