કન્નડ ફિલ્મથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી લૈલા ખાન (મૂળ નામ રેશ્મા પટેલ) સહિત તેના પરિવારના ૬ સભ્યોની કરપીણ હત્યા માટે દોષિત ઠરેલા સાવકા પિતા પરવેઝ ટાકને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
સન 2011માં લૈલા ખાન, તેની માતા અને ચાર ભાઈ-બહેનોની હત્યા કરવામાં આવી હતી. લૈલાની હત્યાનો કેસ મુંબઈની કોર્ટમાં ચાલી રહ્યો હતો. હવે આ કેસમાં સેશન્સ કોર્ટે પરવેઝ ટાકને હત્યાનો દોષી ઠેરવ્યો છે અને તેને ફાંસીની સજા ફટકારી છે. આ ઉપરાંત પરવેઝને પુરાવાનો નાશ કરવાનો પણ દોષી ઠેરવવામાં આવ્યો છે.દોષિતે લૈલા, તેની મા અને ચાર ભાઈ-બહેનોની હત્યા કરી દીધી હતી, તેમની લાશોને ફાર્મ હાઉસમાં દાટી દીધી હતી. જે બાદ પોલીસ પૂછપરછમાં આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો.
પરવેઝે હત્યાની કબૂલાત કર્યા પછી, લૈલા અને તેના પરિવારના હાડપિંજર ઇગતપુરીના એક ફાર્મ હાઉસમાંથી મળી આવ્યા હતા. પરવેઝે પોલીસને જણાવ્યું હતું કે, લૈલા તેના પરિવાર સાથે ઇગતપુરી ફાર્મ હાઉસમાં રજાઓ ગાળવા ગઈ હતી. જ્યાં પરવેઝે બધાને મારીને ખાડામાં દાટી દીધા હતા.લૈલાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત કન્નડ ફિલ્મ મેકઅપથી કરી હતી. તેનું અસલી નામ રેશ્મા પટેલ હતું પરંતુ તેણે પહેલી ફિલ્મ બાદ પોતાનું નામ બદલી નાખ્યું હતું. લૈલાએ રાજેશ ખન્ના સાથે પણ કામ કર્યું હતું. તેણે તેની સાથે ફિલ્મ વફાઃ અ ડેડલી લવ સ્ટોરીમાં કામ કર્યું હતું. લૈલાએ આ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા જેના કારણે તેની ખૂબ ટીકા થઈ હતી.
Reporter: News Plus