વડોદરા : મહાનગરપાલિકા દ્વારા RCC રોડ બનાવવાની શરૂઆતથી 20 વર્ષ સુધી છાસવારે શહેર માં પડતા ખાડાઓ થી છુટકારો મળશે. કરોડો રૂપિયાના ખર્ચે ડામ્મરના રોડ બનાવ્યા બાદ હવે પાલિકા rcc ના રસ્તા બનાવશે.

હાલ ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ શહેરમાં મોટાભાગના રસ્તાઓનું મોટાપાયે ધોવાણ તેમજ અસંખ્ય ખાડાઓ પડી ગયા છે, ત્યારે આવનારા વર્ષોમાં શહેરમાં અવારનવાર પડતા કમરતોડ ખાડાઓથી કાયમી છૂટકારો અપાવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા હવે RCC રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે પૂર્વ વિસ્તારમાં રૂપિયા 6 કરોડના ખર્ચે 2 કિલોમીટરનો RCC રોડ બનાવવામાં આવી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારમાં રૂપિયા 6 કરોડના ખર્ચે વૈકુંઠ ચાર રસ્તાથી શુકન હાઈટસ સુધી અંદાજે 2 કિલોમીટરનો RCC રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે, અગાઉ આ રોડ ઉપર પાણી ભરાઇ જતા હતા જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

આથી કોર્પોરેશન દ્વારા આ રોડને RCC બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતો. જેના ભાગરૂપે આ રોડ પર ડ્રેનેજ, પાણી સહિતની કામગીરી રોડની કામગીરી પહેલા પૂર્ણ કરી દેવામાં આવી છે. અલબત્ત આવનાર સમયમાં સંભવતઃ ડ્રેનેજ કે પાણીની લાઇન અથવા કોઇ પણ કારણોસર રોડને નુકસાન ન થાય તે માટેનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ તમામ પ્રકારના આયોજન સાથે RCC રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. સાથે ચોમાસા બાદ શહેર ના ગાજરાવાડી ઇદગાહ મેદાન, રામનાથ સ્મશાન રોડ થઇ પટેલ એસ્ટેટ ડભોઇ રોડ સુધી 18 મીટરનો અંદાજે 2 કિલોમીટર લાંબો RCC રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ ગાજરવાડી ચાર રસ્તાથી ડી માર્ટ તરફ જવાના રસ્તા ઉપર અડધો કિલોમીટરનો RCC રોડ બનાવવામાં આવ્યો હતો. જે સફળ રહ્યા બાદ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર RCC રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.


Reporter: admin







