અજમેર: હજુ એક દિવસ પહેલા ઉત્તર પ્રદેશના કાનપુરમાં કેટલાક અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ટ્રેનને પાટા પરથી ઉથલાવી પાડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજસ્થાનના અજમેર માં પણ આવી ઘટના બની છે. અજમેરમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનું ષડયંત્રને નિષ્ફળ રહ્યું હતું.
ઘટનાની જાણકારી મુજબ અજમેર પાસે રેલવે ટ્રેક પર એક ક્વિન્ટલ વજનનો સિમેન્ટ બ્લોક મૂકવામાં આવ્યો હતો, જેથી ટ્રેન તેની સાથે અથડાઈને પાટા પરથી ઉતરી જાય. સદનસીબે ટ્રેનનું એન્જીન સિમેન્ટ બ્લોક તોડીને આગળ વધી ગયું હતું. રેલ્વે ડ્રાઈવરની સૂચના પર રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF)એ ઘટનાસ્થળે પહોંચી અને ટ્રેકનું નિરીક્ષણ કર્યું છે.
જે સ્થળેથી ટ્રેન અથડાઈ સિમેન્ટ બ્લોક સાથે અથડાઈ હતી ત્યાં અધિકારીઓને બ્લોકના ટુકડા મળ્યા છે. આરપીએફએ માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધી છે. FIR નોંધ્યા બાદ પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે.
એક મહિનામાં ત્રીજી વખત રાજસ્થાનમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલા 28 ઓગસ્ટના રોજ બરાનના છાબરામાં ગુડ્સ ટ્રેન પાટા પર બાઇકનો સ્ક્રેપ સાથે અથડાઈ હતી. 23 ઓગસ્ટના રોજ પાલી ખાતે ટ્રેક પર મૂકવામાં આવેલા સિમેન્ટ બ્લોક સાથે અમદાવાદ- જોધપુર વંદે ભારત ટ્રેન અથડાઈ હતી.
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં LPG સિલિન્ડર અને અન્ય વિસ્ફોટક સામગ્રી પાટા પર મૂકીને કાલિંદી એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સંબંધમાં સોમવારે બે સ્થાનિક હિસ્ટ્રી-શીટર સહિત છ લોકોની પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતાં.
Reporter: admin