શહેરની બરોડા ડેરીમાં નોકરી અપાવાના નામે ડેરીના જ 2 કર્મચારીઓએ 13 વ્યક્તિ પાસેથી 2 કરોડ રુપિયા ખંખેર્યા હોવાના સનસનાટીભર્યા બનાવમાં એક કર્મચારીએ વર્તમાન જિલ્લા પ્રમુખ અને ડેરીના ડિરેક્ટર સતિશ નિશાળીયાનો પીએ હોવાનું જણાવીને યુવકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હોવાનો આરોપ લાગ્યા છે.

જો કે સતિશ નિશાળીયાએ કહ્યું છે કે તેઓ આ બંને કર્મચારીને ઓળખતા સુદ્ધાં નથી અને તેમનો કોઇ પીએ પણ નથી. છેતરાયેલા લોકો પોલીસમાં ફરિયાદ કરે. આરોપ લગાવનારાઓ સામે તેમણે બદનક્ષીનો દાવો કરવાની ચીમકી આપી હતી. અને નવા પ્રમુખ તરીકે મારી ઉમેદવારી પણ કરી છે તેથી ડેમેજ કરવાનું ષડયંત્ર છે.ઉલ્લેખનિય છે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે ડેરીનો જ કર્મચારી અનેક યુવાનો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ભૂગર્ભમાં જવાના કૌભાંડમાં ડેરીનાં વિજિલન્સ વિભાગે છેતરાયેલા યુવકોના નિવેદન પણ લીધા છે.યુવકો એ વિજિલન્સ સમક્ષ આરોપી પ્રિતેશ પટેલને રૂપિયા આપતા સમયના વિડિયો રજૂ કર્યા હતા જ્યારે પ્રિતેશ પટેલ સાથે મોબાઈલ ફોન ઉપર થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ ઉપરાંત નકલી એપાઈન્ટમેન્ટ લેટર પણ આપી અન્ય પુરાવા પણ આપ્યા છે.
બરોડા ડેરીમાં નોકરીવાંચ્છુઓને ડિરેક્ટર સાથે સંપર્ક હોવાનું જણાવીને ડેરીમાં ઊંચા પગારે નોકરી માટે ઉમેદવાર દીઠ 16 લાખ જેવી માતબર રકમ ઉઘરાવી લેવાઇ હતી જેમાં પ્રિતેશ પટેલે ડેરીના જ અન્ય કર્મચારીને સાથે લઇ ગયો હતો જેને ડેરીના ડિરેક્ટરનાં પીએ તરીકેની ઓળખ આપી હતી.આ કૌંભાડમાં દુષ્યંત પટેલની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. તે ડેરીનો કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને ડિરેક્ટરનો પીએ હોવાથી નોકરી જલ્દી જોઈતી હોય તો રૂપિયા લેવા માટે પ્રિતેશ પટેલ સાથે યુવકો પાસે જતો હતો. 13 જેટલા નોકરીવાંચ્છુઓ પાસેથી ડેરીના ડિરેક્ટરના નામે 2 કરોડ ઉપરાંતની રકમ લઇ ડેરીનો ભેજાબાજ કર્મચારી ઘર છોડી ભાગી ગયો છે.આ 2 જણાને હું ઓળખતો નથી અને મે ક્યારેય વાત કરી નથી... સતીષ નિશાળિયા.આ ચકચારી બનાવમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને ડેરીના ડિરેક્ટર સતિશ નિશાળીયાએ કહ્યું છે કે પ્રિતેશે મારા નામે ભરતી કરવાના નામે 2 કરોડ ઉઘરાવ્યા તે સમાચારોમાં મે વાંચ્યું હતું. અત્યારે તો લોકો નકલી સીબીઆઇ અને પીઆઇ થઇને પૈસા ઉઘરાવે છે. આ 2 જણાને હું ઓળખતો નથી અને મે ક્યારેય વાત કરી નથી. જેમણે પૈસા આપ્યા છે તેમણે ફરિયાદ કરવી જોઇએ. બરોડા ડેરીએ પણ આ મામલાની વિજીલન્સ દ્વારા તપાસ શરુ કરી છે. જે ગુનેગારો છે તેને છોડાશે નહી. તેમણે કહ્યું કે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું છું અને નવા પ્રમુખ તરીકે મારી ઉમેદવારી પણ કરી છે તેથી ડેમેજ કરવાનું ષડયંત્ર છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ મે પીએ રાખ્યો નથી અને રાખવાનો પણ નથી. ખોટા આરોપોને હું ફગાવું છું અને વકીલની સલાહ લઇ આરોપ લગાવનારા સામે બદનક્ષીના દાવો હું કરીશ.
Reporter: admin