ગાંધીનગર : અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના ગુજરાતના અંદાજે 1076 બિલ્ડર્સ ડેવલપર્સના ખાતાઓ સ્થગિત કરી દેવા અંગે આગામી મિટિંગમાં વિચારણા કરવાનું સૂચન કરતો પત્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટેએ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીને પાઠવ્યો અને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ તે પત્ર બેન્કોને મોકલી આપતા એચડીએફસી બેન્કે તેની બેન્કમાંના બિલ્ડર્સ કે ડેવલપર્સના ખાતાઓ સીલ કરવાનું પગલું લીધું છે. રેરાના અધિકારીઓએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
કેટલાંક વર્ષોમાં બિલ્ડર્સ કે ડેવલપર્સ(Builders and developer of Gujarat) પર કોઈ જાતની લગામ રહી ન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે બિલ્ડર્સ અને ડેવલપર્સ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરનારા 1000 કરતા વધુ બિલ્ડરોના બેંક ખાતા ફ્રીજ(Bank account freeze) કરાતા ખળભળાટ મચી ગયો છે.હવેથી નવા નિયમાનુસાર, બિલ્ડર નિયમ ભંગ કરે તે દિવસથી જ દંડ વસુલવામાં આવશે. કલમ 63માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે રેરા ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા કોઈપણ ઓર્ડરની બિલ્ડર દ્વારા અવગણના કરવામાં આવે તો જે દિવસથી નિયમ ભંગ કરવાની શરૂઆત કરવામાં આવી હોય તે દિવસથી તેને દંડ લાગુ થશે.
આ દંડની મહત્તમ રકમ રૂ. પાંચ કરોડ નક્કી કરવામાં આવેલી છે. કોઈપણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા જ નક્કી કરવામાં આવે છે.ડેવલપર્સે સોસાયટીના સભ્યોને તેમનો ચાર્જ સોંપ્યો કે નહિ કે પછી તેમને સહકારી સોસાયટીની સ્થાપના કરીને મેમ્બર્સને આપવાના થતાં નાણાં પરત આપ્યા કે નહિ તેની વિગતો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ મૂકીને પ્રોજેક્ટનું કામ પૂરું થઈ ગયું હોવાની જાણ કરવાની છે. મોટાભાગના બિલ્ડર્સ ડેવલપર્સ પ્રોજેક્ટ પૂરો થયા પછી બિલ્ડીંગ યુઝની પરવાનગી મેળવી લીધા બાદ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીને તેઓ જાણ ન કરતાં હોવાથી તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે ચર્ચા કરીને નિર્ણય લેવાનું સૂચન મૂકવામાં આવ્યું હતું.
Reporter: News Plus