નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ કે સુરેશને લોકસભા અધ્યક્ષની ચૂંટણી સુધી અસ્થાયી અર્થાત પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવશે. 24 જૂને સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 68 વર્ષીય સાંસદ સુરેશને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવશે. ત્યારબાદ સુરેશ નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે.
લોકસભા ચૂંટણી 2024માં મવેલિકારા લોકસભા બેઠક પર કોંગ્રેસ અને સીપીઆઈ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. કોંગ્રેસના કે સુરેશે સીપીઆઈના ઉમેદવાર અરુણ કુમારને 10868 મતોના માર્જિનથી હરાવ્યા હતા. સુરેશને 369516 વોટ મળ્યા હતા, જ્યારે અરુણ કુમારને 358648 વોટ મળ્યા હતા.
સુરેશ કેરળની મવેલિકારા લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ 1989થી આ બેઠક સંભાળી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત સાંસદ બન્યા છે. તેમજ કે સુરેશ 2012થી 2014 સુધી કોંગ્રેસ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. વર્ષ 2018માં તેમને કેરળ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ AICCના સચિવ પણ રહી ચૂક્યા છે.
Reporter: News Plus