ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન રમેશ કટારાની નર્વસનેસથી સમારંભમાં રચાયો રસપ્રદ માહોલ
ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાની શપથ વખતે મુંઝવણ
અમદાવાદના રાજભવન ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન નવા કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ શપથ લીધા. સમારંભમાં મુખ્યમંત્રી સહિત અનેક આગેવાન અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.શપથવિધિ દરમિયાન એક રસપ્રદ અને હળવાશભર્યો પ્રસંગ સામે આવ્યો હતો. પ્રથમવાર મંત્રી બની રહેલા ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા શપથ લેતી વખતે થોડા નર્વસ થઈ ગયા હતા. રાજ્યપાલે જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કાંતિ અમૃતિયા, રમેશ કટારા અને દર્શના વાઘેલાને શપથ લેવા બોલાવ્યા હતા, ત્યારે ત્રણેય અલગ માઇક પાસે ઉભા રહ્યા હતા.
શપથ દરમિયાન રાજ્યપાલે “હું…” બોલીને અટક્યા, જે સંકેત હતો કે મંત્રીએ પોતાનું નામ બોલવાનું છે. કાંતિ અમૃતિયાએ તરત પોતાનું નામ બોલી પ્રારંભ કર્યો, પરંતુ રમેશ કટારા થોડો મુંઝાઈ ગયા અને ચુપચાપ ઉભા રહ્યા. રાજ્યપાલે હળવા સ્વરે કહ્યું—“પોતાનું નામ બોલો ને…” અને પછી ફરીથી “હું…” બોલ્યા. ત્યાર બાદ કાંતિ અમૃતિયાએ ફરી નામ બોલી દીધું, જેનાથી થોડી હળવી હસી ફેલાઈ.આ દરમિયાન એક કર્મચારી રમેશ કટારાનો માઇક એડજસ્ટ કરવા દોડી આવ્યો. પછી રમેશ કટારાએ પોતાનું નામ બોલીને સફળતાપૂર્વક શપથ પૂર્ણ કર્યો. અંતે દર્શના વાઘેલાએ પણ શપથ લીધો અને વિધિ પૂર્ણ થઈ.આ નાનકડા પ્રસંગે શપથ વિધિમાં ઉપસ્થિત સૌના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. નર્વસનેસ હોવા છતાં રમેશ કટારાએ વિધિવત રીતે શપથ પૂર્ણ કર્યો અને નવા મંત્રી તરીકે પોતાની ફરજની શરૂઆત કરી.
Reporter: admin







